બુધવારે બેડી યાર્ડમાં જીરુંના ભાવે રૂ. 5200ની સપાટી કુદાવી હતી. એક મણ જીરુંનો ભાવ રૂ. 5250 રહ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ ભાવ છે. જીરુંનો ઓલટાઈમ ભાવ હાઈ રહેતા ખેતીથી લઇને સ્થાનિક બજારમાં તેની અસર જોવા મળશે. જીરુંના વેપારી અમિતભાઈ ભોજાણીના જણાવ્યાનુસાર જીરુંના ઉત્પાદનમાં ભારતમાં રાજસ્થાન અને ગુજરાતનો મહત્ત્વનો હિસ્સો સાબિત થતો હોય છે.
વાતાવરણને કારણે આ વખતે ગુજરાતમાં 30 ટકા ઉત્પાદન ઓછું આવે તેવી સંભાવના છે. જ્યારે રાજસ્થાનમાં ઉત્પાદનની ટકાવારી 95 ટકા રહે તેવું ચિત્ર હાલમાં છે. જોકે છેલ્લા ત્રણ વર્ષનું ભારતમાંથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્સપોર્ટ દૈનિક 20 હજાર બોરીનું રહ્યું છે.
ઉત્પાદન ઓછું હોવાને કારણે ડિમાન્ડની સામે સપ્લાય ઓછી રહે અને 10 લાખ બોરીની ઘટ રહે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે. જીરુંનો ભાવ વધતા એડવાન્સમાં ખરીદી થવા લાગી છે. આમ, આગોતરા વાવેતર બાદ હવે આગોતરા વેપાર પણ થવા લાગ્યા છે.
ભાવવધારા માટે વાવેતર, ઉત્પાદન, માંગ અને એક્સપોર્ટની અસર
યાર્ડ | યાર્ડમાં અત્યાર સુધીનો ઓલટાઇમ હાઈ ભાવ છે. આટલો ભાવ ક્યારેય નથી પહોંચ્યો. અત્યારે જે આવક થાય છે તે જૂના માલની છે. ભાવ ઊંચકાતા વેપારીઓએ જે ગોડાઉનમાં માલ રાખ્યો હતો તેનો પણ નિકાલ કરી રહ્યા છે. બેડી યાર્ડએ જણસીની દૃષ્ટિએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ ગણી શકાય છે. > અતુલ કમાણી, ડિરેક્ટર વેપારી વિભાગ
ખેડૂત | ખેરડી ગામમાં માત્ર 15-20 ખેડૂતે જ વાવેતર કર્યું હતું, પરંતુ આ તમામ વાવેતર સુકાઇ જતા ખેડૂતોને બીજો પાક લેવો પડ્યો છે. સામાન્ય રીતે નવરાત્રિ પછી ઠંડી શરૂ થતી હોય છે. તેના બદલે અત્યારે અડધો ડિસેમ્બર ચાલ્યો ગયો આમ છતાં ઠંડી હજુ પડી નથી. એથી જે વાવેતર હતું તે સુકાઇ ગયું. જે પાક વધ્યો છે તેનો બધો આધાર વાતાવરણ પર છે. > દિનેશભાઇ સગપરિયા, ખેડુત
બજાર | જીરુમાં અત્યારે સૌથી હાઇએસ્ટ ભાવ છે. હજુ ભાવ વધે તેવી સંભાવના નથી. હોલસેલમાં રૂ.280નું કિલો અને છૂટક બજારમાં તેનો ભાવ રૂ. 300થી 310 સુધીનો છે. જોકે ભાવવધારા માટે વાવેતર, ઉત્પાદન, ડિમાન્ડ, એક્સપોર્ટ વગેરે પરિબળો કામ કરશે. આમ વેપારીઓ અત્યારે જે ભાવ ચાલુ છે તે જ ભાવને ધ્યાનમાં રાખીને ઓર્ડર લઇ રહ્યા છે અને નોંધાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.