હિટ એન્ડ રન:રાજકોટમાં ગોંડલ હાઇવે પર કારખાનેથી ઘરે જતા પ્રૌઢને અજાણી કારના ચાલકે અડફેટે લેતા મોત

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • અકસ્માત સર્જી કારચાલક કાર લઈ નાસી ગયો, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • પ્રૌઢને 108 મારફતે સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન દમ તોડ્યો

શાપર-વેરાવળ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કારખાનેથી ચાલીને ઘરે જતી વખતે રોડ ક્રોસ કરતા પ્રૌઢને અજાણી કારના ચાલકે અડફેટે લેતા પ્રૌઢનું રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મોત નિપજ્યુ હતું.

કારખાનેથી ચાલીને ઘરે જતા હતા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર-વેરાવળ ખાતે શીતળા માતાજીના મંદિર પાસે રહેતા રમેશભાઈ નાનજીભાઈ ચાવડા (ઉં.વ. 59) કનેરીયા ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં નોકરી કરતા હોઈ, તેથી તે રાત્રે નોકરી પુરી કરી કારખાનેથી ચાલીને ઘરે જતા હતા ત્યારે ગોંડલ હાઇવે પર રોડ ક્રોસ કરવા જતા અજાણી કારના ચાલકે રમેશભાઈને ઠોકર મારતા તેને માથા તથા શરીરના અન્ય ભાગે ઈજા પહોંચી હતી.

અકસ્માત સર્જી કારચાલક કાર લઈ નાસી ગયો
જો કે અકસ્માત સર્જી કારચાલક કાર લઈ નાસી ગયો હતો અને બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદ રમેશભાઈને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે
પ્રાથમિક માહિતી મુજબ મૃતક રમેશભાઈ ચાવડાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેમણે પિતાની છત્રછાંયા ગુમાવતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે. હાલ આ અંગે શાપર-વેરાવળ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.