રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:મવડી મેઇન રોડ પર પ્રૌઢે ફિનાઇલ પી આપઘાત કર્યો, રતનપરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ઢેબર રોડ પર એપાર્ટમેન્ટમાં કબૂતર બચાવવા જતા ચોકીદાર બીજા માળેથી પટકાતા મોત
  • નિર્મલા રોડ પર કારે એક્ટિવાને ઠોકર મારતા વૃદ્ધનું 21માં દિવસે સારવાર દરમિયાન મોત

શહેરના મવડી મેઇન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વિજયભાઇ રમણીકભાઇ કોરાટ (ઉં.વ.43)એ ફિનાઇલ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. વિજયભાઇએ પરમ દિવસે રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ગઇકાલે રાત્રે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. વિજયભાઇ બે ભાઇમાં મોટા અને અપરિણીત હતા. તે લાદીકામ કરતાં હતાં. અગાઉ તેને અકસ્‍માત નડ્યો હોઇ પગમાં ઓપરેશન આવ્‍યું હતું. છેલ્લા ચારેક વર્ષથી ઓપરેશન વાળો પગ દુઃખતો રહેતો હોઇ આ કારણે કંટાળી જઇ પગલું ભર્યાની શક્‍યતા સેવાય રહી છે. હાલ માલવીયાનગર પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરબી રોડ પર રતનપર ગામમાં પરિણીતાએ મોડીરાતે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી.

સાસરિયાનો ત્રાસ હોવાનો પરિણીતાના ભાઈનો આક્ષેપ
શહેરના મોરબી હાઇવે પર આવેલા રતનપરમાં રહેતાં કૈલાસબા અનિરૂધ્‍ધસિંહ ઝાલા (ઉં.વ.40)એ ગત રાતે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. પતિ, સાસુ, સસરાના ત્રાસને કારણે તેઓ મરી જવા મજબૂર થયાનો આક્ષેપ તેમના ભાઇ ગાંધીગ્રામમાં રહેતાં મહાવીરસિંહ રણવીરસિંહ પરમારે કર્યો છે. કૈલાસબા ઝાલાએ મોડીરાતે બારેક વાગ્‍યે ગળેફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં ટૂંકી સારવારને અંતે મોત નીપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ દોડી આવી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર કૈલાસબાના પતિ અનિરૂધ્‍ધસિંહ ડ્રાઇવિંગ કરે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

બીમાર કબૂરતનો જીવ બચાવવા જતા ચોકીદારે પોતાનો જીવ ગુમાવ્યો
શહેરના ઢેબર રોડ પર ગુરૂકુળ સામે મનસા તિર્થ એપાર્ટમેન્‍ટમાં પાર્કિંગમાં જ આવેલી ચોકીદારની રૂમમાં રહેતાં સંજય રમણિકલાલ કોરડીયા (ઉં.વ.28) નામના યુવાનનું એપાર્ટમેન્‍ટના બીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું. સંજય ગઇકાલે રાતે સાડા દસેક વાગ્‍યે બીજા માળે એક કબૂતર બીમાર હાલતમાં પડ્યું હોઇ તેને ઉતારવા જતાં પગ લપસતાં તે પોતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ અહીં વહેલી સવારે દમ તોડી દીધો હતો. મૃત્‍યુ પામનાર સંજય બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસ હેડકોન્‍સ્ટેબલ એન. એ. ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

વૃદ્ધ 17મેએ એક્ટિવા પર જતા હતા ત્યારે કારે ઠોકર મારી હતી
રાજકોટના નિર્મલા રોડ પર ફાયર બ્રિગેડ નજીક કારની ઠોકરે એક્‍ટિવા ચડી જતાં કોટેચા ચોકમાં આવેલા પ્રખ્‍યાત ઇન્‍દોરી સમોસા-કચોરીવાળા હરિભાઇ વિઠ્ઠલભાઇ પટેલ (ઉં.વ.74)નું મૃત્યુ નીપજ્યું હતું. આલાપ ગ્રીન સિટી ડી-49માં રહેતાં હરિભાઇ પટેલ 17મેના રોજ સાંજે આઠેક વાગ્‍યે એક્‍ટિવા હંકારી દૂકાનેથી ઘર તરફ જવા નીકળ્‍યા હતા. ત્‍યારે દુકાનથી થોડે દૂર ફાયર બ્રિગેડ પાસે કારની ઠોકર લાગતાં તેઓ એક્ટિવા સહિત ફંગોળાઇ જતાં ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. ત્‍યાંથી સિવિલમાં લાવવામાં આવ્‍યા બાદ રજા લેવાઇ હતી. ગઇકાલે ફરી બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં મૃત્‍યુ નિપજ્‍યું હતું.

શાપરમાં બાઇક સ્લીપ થતા યુવાનનું મોત
શાપરમાં બાઈક સ્લીપ થતા બિહારના નિર્ભયકુમાર અજયકુમાર નિસ્ચલ (ઉં.વ.24)નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તા.29ના રોજ અકસ્માત થયો હતો. જોકે ગઈકાલે બાઈક ચાલક સુનિલકુમાર ડાભી સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે. મૃતકના ભાઈ અંકીતકુમાર અજયકુમાર નિસ્ચલે ફરિયાદમાં જણાવ્યું કે, હું ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરું છું. મારા મોટાભાઈ નિર્ભયકુમાર છે. જેના લગ્ન આજથી બે વર્ષ પહેલા બિહાર ખાતે રંચુ કુમારી સાથે થયા હતા. તેને સંતાનમાં ત્રણ વર્ષની દીકરી નિહારિકા કુમારી છે.