નાનાભાઈ પર મોટાભાઈનો હુમલો:પડધરીમાં જમીન મુદ્દે વિવાદ થતા ‘તને જાનથી મારી નાખીશ’ કહી પ્રૌઢને લાકડી માર માર્યો

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પડધરી પોલીસે ફરિયાદ દાખલ કરી હુમલાખોરની શોધખોળ આદરી હતી.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જમીન મુદ્દે વિવાદ થતા મોટાભાઈએ નાનભાઈને અપશબ્દો આપી લાકડીથી ફટકારી 'આજે તો તું બચી ગયો છે જો હવે આ ખેતરમાં આવ્યો છે તો તને જાનથી મારી નાખીશ' કહી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પડધરી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. જેને પગલે પડધરી પોલીસે ઇ.પી.કો. કલમ 323,504,506(2) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ જમીનનું સંચાલન હું કરું છું
આ અંગે ઈજાગ્રસ્ત 71 વર્ષીય પ્રૌઢ કમાભાઈ ગોરાભાઈ ગોહીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા બાપુજીના નામે 84 વીઘા જમીન વણપરી તથા મોટીચણોલની સીમમાં આવેલ છે. જે જમીનમાં અમો ચાર ભાઈ તથા ત્રણ બહેનો વારસદાર છીએ. આ બન્ને જમીન હાલ પડતર પડેલ છે. આ જમીનનો સહમતી લેટર મારા નાનાભાઈના પત્નિ મંજુબેન ભીમભાઈ તથા મારા નાનાભાઈ નાગજીભાઈ ગોરાભાઈના નામે છે. અને તેનુ સંચાલન હું કરૂ છું.

બહાર નીકળી જજો, નહીતર ઢીમ ઢાળી દઈશ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તા.27 જૂનના રોજ બપોરના IOCL ના અધિકારીઓ મને જણાવ્યું હતું કે 'તમારી જમીનમાંથી અમારી લાઈન નીકળે છે. જેથી તમારી જમીનમાં અમે 2 ખાડા ખોદેલા છે. અને તેનુ અમારી કંપની તમને વળતર ચુકવી આપશે. તમે એ 2 ખાડા બુરવાના બાકી રાખજો, આપણે પેમેન્ટનું નક્કી કરીએ પછી આ 2 ખાડા બુરજો. જેથી હું અમારી જમીન વણપરીની સીમમાં આવ્યો હતો અને JCB દ્વારા જમીન લેવલ કરાવતો હતો ત્યારે બપોરના આશરે એકથી દોઢ વાગ્યાની આસપાસ મારા મોટાભાઈ વશરામભાઈ ગોરાભાઇ ગોહીલ ત્યાં આવ્યા હતા અને JCB સંચાલકને કહ્યું હતું કે, તારુ JCB બહાર કાઢી લેજે નહી તો લાકડી ભેગો પાડી દઈશ અને IOCLના 2 અધિકારીઓને આપશબ્દો આપી કહેવા લાગેલ કે તમે પણ જમીનની બહાર નીકળી જજો નહીતર ઢીમ ઢાળી દઈશ, તમે અમારી જમીનમાં બાવળ ઉગાડી દીધેલ છે.

આડેધડ લાકડીઓ મારી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મુદ્દે મેં મારા મોટાભાઈને સમજાવ્યા હતા કે, બાવળ તે લોકોએ નથી ઉગાડેલ આપણી ભુલના કારણે ઉગેલ છે. જેથી મારા મોટાભાઈએ મને ખીજાયને કહ્યું કે, તને બહુ જ પાવર છે તને પણ પાડી દેવો છે, જીવતો મુકવો નથી. એમ કહી મને બેફામ અપશબ્દો બોલી મારા ડાબા હાથના બાવળામાં તથા જમણા હાથની કલાઈમાં તથા ડાબા પગના ગોઠણમાં તથા વાંસાના ભાગે એમ આડેધડ લાકડીઓ મારી હતી. જેથી અમારા ખેતરમાંથી IOCLના અધિકારીઓ નાસી ગયા હતા. મોટાભાઈ વશરામભાઈએ મને ઈજાગ્રસ્ત કરીને જતા જતા કહ્યું હતું કે, આજે તો તું બચી ગયો છે જો હવે આ ખેતરમાં આવ્યો છે તો તને જાનથી મારી નાખીશ.

મોટાભાઈ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એમના જતા જ મેં 108માં ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી હતી. પ્રથમ મને પડધરી સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની સરકારી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર લીધા બાદ આજરોજ અહીં પડધરી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે મેં મારા મોટાભાઈ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી છે.