નગર પાલિકાની મુદત પુરી:મોરબી જિલ્લાની બે, રાજકોટની પાંચ પાલિકામાં વહીવટદારનું શાસન લાગુ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 76 પાલિકા પૈકી 68ની મુદત ફેબ્રુઆરીમાં પૂર્ણ, વાંકાનેર પાલિકાને 6 મહિના પહેલાં વિસર્જિત કરાઇ છે

મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર નગર પાલિકા અને રાજકોટ જિલ્લાની પાંચ નગર પાલિકાની મુદત પુરી થઇ જતાં વહીવટદારનું શાસન લાગુ કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને ભાયાવદર નગર પાલિકાની મુદત ફેબ્રુઆરીમાં પૂર્ણ થઇ ગઇ છે અને જ્યાં સુધી ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી વહીવટદાર શાસન સંભાળશે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 8 મુજબ રાજ્યની 76 પાલિકા પૈકી 68ની મુદત ફેબ્રુઆરીમાં પૂરી થઇ છે જેમાં રાજકોટ જિલ્લાની નવાગઢ જેતપુર, ધોરાજી, જસદણ, ઉપલેટા અને ભાયાવદરનો સમાવેશ થાય છે. જ્યારે વાંકાનેર પાલિકાને તો 30 જૂન, 20 22ના જાહેરનામાથી વિસર્જિત કરી દેવામાં આવી છે.

નગર પાલિકાની મુદત પ્રથમ બેઠકથી પાંચ વર્ષ સુધીની હોય છે અને મુદત પૂર્ણ થયા પહેલાં સામાન્ય ચૂૂંટણી યોજવાની હોય છે પરંતુ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા સમર્પિત આયોગની રચના કરવામાં આવી છે જે આયોગે રાજ્ય સરકારને 90 દિવસમાં અહેવાલ આપવાનો રહેશે તેવી જોગવાઇ કરવામા આવી હતી અને તે મુદત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ પરથી લંબાવવામાં આવી છે.

આથી જ્યાં સુધી સમર્પિત આયોગ દ્વારા સરકારને અહેવાલ નહીં સોંપાય ત્યાં સુધી ચુંટણી યોજાઇ શકે તેમ નથી આથી નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણુંક કરી દેવામાં આવી છે. આથી હવે જ્યાં સુધી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી રાજકોટ જિલ્લાની પાંચ અને મોરબી જિલ્લાની બે નગરપાલિકાની સામાન્ય કામગીરી પર વહીવટદારની નજર રહેશે. નીતિ વિષયક નિર્ણયો લેવા સિવાયની તમામ સત્તા વહીવટદારની હોય છે.

કોને સોંપાયું વહીવટદાર તરીકેની સત્તાનું સુકાન
હળવદમાં સ્થાનિક મામલતદાર સત્તા સંભાળશે જ્યારે વાંકાનેરમાં પ્રાંત અધિકારી આ હોદો નિભાવશે. બીજી તરફ રાજકોટ જિલ્લાની પાલિકાઓમાં નવાગઢ જેતપુર માટે ગોંડલના પ્રાંત અધિકારી, ધોરાજીમાં સ્થાનિક પ્રાંત અધિકારી અને ઉપલેટામાં ડેપ્યુટી કલેક્ટર , જસદણમાં મામલતદાર અને ભાયાવદરમાં ઉપલેટા મામલતદાર આ ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...