આર્થિક કમર ભાંગી:રાજકોટમાં કોચિંગ ક્લાસ સંચાલકો રસ્તા પર, ક્લાસિસ 15 મહિનાથી બંધ, કહ્યું- 16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓની SOP સાથે અભ્યાસ કરવાની મંજૂરી આપો

રાજકોટ4 મહિનો પહેલા
કોચિંગ ક્લાસના સંચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.
  • કોચિંગ ક્લાસ બંધ હોવાને કારણે રાજ્યમાં 15 લાખ જેટલા શિક્ષકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે

કોરોનાને કારણે રાજકોટમાં કોચિંગ ક્લાસ છેલ્લા 15 મહિનાથી બંધ છે. આથી સંચાલકોની આર્થિક સ્થિતિ કથળી છે. આજે ટ્યુશન ક્લાસ એસોસિયેશ દ્વારા આર્થિક પેકેજની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 16 વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓની SOP સાથે અભ્યાસ કરવાની મંજૂરી આપો તેવી માંગ કરી હતી. તેમજ પ્રોપર્ટી ટેક્સ અને વીજબીલ પણ માફ કરવા માંગ કરાઇ હતી. રાજ્યમાં 1 લાખ કોચિંગ ક્લાસ સાથે 15 લાખ શિક્ષકો જોડાયેલા છે.

સરકારને 15 હજાર મેસેજ અને 16 હજાર ઇમેઇલ કર્યા
ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન અને કોચિંગ ક્લાસ અસોસિએશન દ્વારા સરકારને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રજુઆત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ કોચિંગ ક્લાસ આવેલા છે. કોચિંગ ક્લાસ બંધ હોવાને કારણે 15 લાખ જેટલા શિક્ષકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. કોચિંગ ક્લાસિસ ત્વરિત ખોલવા સરકારને માંગ કરી છે. સરકારને 15 હજાર જેટલા મેસેજ અને 16 હજાર જેટલા ઇમેઇલ કર્યા બાદ પણ સરકાર મૌન છે. આથી કોચિંગ ક્લાસના શિક્ષકોમાં રોષ ભભૂક્યો છે.

ટ્યુશન ક્લાસિસના સંચાલક ધર્મેશ ચગ.
ટ્યુશન ક્લાસિસના સંચાલક ધર્મેશ ચગ.

સરકાર અમને છૂટ આપે તો 100 ટકા અમે SOPનું પાલન કરીશું: સંચાલક
રાજકોટમાં ચગ ટ્યુશન ક્લાસિસના સંચાલક ધર્મેશ ચગે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી અમારો વ્યવસાય બંધ છે. ધીમે ધીમે કોરોના હળવો પડતા બધા વ્યવસાય અનલોક થાય છે તો અમારો વ્યવસાય કેમ નહિ? હાલ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે શિક્ષકની ફરજ તરીકે અમે આ સ્તર ઉંચુ લાવીએ. સરકાર અમને છૂટ આપે તો 100 ટકા અમે ગાઈડલાઈનનું પાલન કરીશું. અમને શિક્ષક છીએ ત્યારે બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય નહિ અને સંક્રમણ ફેલાય નહિ તેની 100 ટકા ધ્યાન રાખીશું. ભલે 50 ટકા સંખ્યા સાથે છૂટ આપવામાં આવે પણ અમને ક્લાસિસ ચાલુ કરવાની મંજૂરી આપો.

ટ્યુશન ક્લાસિસના શિક્ષક સ્મિત લિંબાસીયા.
ટ્યુશન ક્લાસિસના શિક્ષક સ્મિત લિંબાસીયા.

ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું: શિક્ષક
પ્રાર્થના ટ્યુશન ક્લાસિસના શિક્ષક સ્મિત લિંબાસીયાએ જણાવ્યું હતું કે, આજે તમામ વ્યવસાય ખુલી જતા હોય ત્યારે સાહેબ વિચાર તો કરો 15 મહિનાથી અમારો વ્યવસાય બંધ છે. અમારા પરિવારના સભ્યોમાં કોરોના થયો હતો. અમે બચર કરેલી રકમ પણ તેમાં પુરી થઈ ગઈ છે. હવે અમારે શું કરવાનું. એક શિક્ષક આખરે માણસ છે. 15 મહિનાથી વ્યવસાય બંધ હોવાથી ઘર અને ટ્યુશન ક્લાસના ભાડા ભરી શકતા નથી. ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. અમારી સરકારને એટલી જ વિનંતી છે કે, નાના બાળકો નહિ પણ જેની ઉંમર 16 વર્ષથી ઉપર છે તેવા ધો.10-12ના વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ કરવા મંજૂરી આપો.

અન્ય સમાચારો પણ છે...