રાજકોટ મહાનગર પાલિકાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયરે કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હલ ઉપરી અધિકારીની કનડગતને કારણે પણ મૃતકે આપઘાત કર્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર પરેશ જોશીએ આજે સાંજના સમયે કોઈ કારણો સર રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ન્યારી ડેમ ખાતે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ન્યારી ડેમ ખાતે કોઈ વ્યક્તિ દ્વારા પરેશ જોશીના મૃતદેહ ને જોતા પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી જે બાદ ફાયર વિભાગ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. હાલ તાલુકા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
મૃતક 24 વર્ષથી મનપામાં નોકરી કરતા હતા
ઉલ્લેખનીય છે કે મૃતક પરેશ જોશી છેલ્લા 24 વર્ષથી મનપામાં નોકરી કરી રહ્યા છે અને પરિવારમાં યુવાન એક દીકરો અને દીકરી છે. છેલ્લા 3 થી 4 દિવસથી પરેશ જોશી ટેંશન માં રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું સાથે જ સાંજના 4.30 વાગ્યા આસપાસ પરેશ જોશી ન્યારી ડેમ ખાતે કોઈ સાથે ફોન માં ઉગ્ર બોલાચાલી કરતા હોવાનું નજરે જોનાર વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું. ત્યારે એ ફોન કોનો હતો એ દિશામાં તપાસ થાય તો આપઘાતનું ચોક્કસ કારણ સામે આવી શકે તેમ છે.
સવારે બિલ મુદ્દે રૂબરૂ મળ્યો’તો, સાંજે ફોન પણ કર્યો હતો : હાર્દિક ચંદારાણા
મધુવન કન્સ્ટ્રક્શનના એન્જિનિયર હાર્દિક ચંદારાણાએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, ગુરુવારે સવારે જ બિલના મુદ્દે ઇજનેર પરેશભાઇ જોષીને મળ્યો હતો, બપોરે તેઓ ઘરે જમવા ગયા હતા, સાંજે બિલ મામલે ફરીથી તેમને ફોન કરતા તેમણે રસ્તામાં હોવાનું કહ્યું હતું, ત્યારબાદ પરેશભાઇનો મોબાઇલમાં મેસેજ આવ્યો હતો અને ‘કંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો’ તેવું લખ્યું હતું, મેસેજ વાંચ્યા બાદ તેમને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન લાગ્યો નહોતો.
એજન્સીના બિલમાં કોઇ ક્વેરી કાઢે નહીં તે માટે ઉપરી અધિકારી ખખડાવતા’તા
મનપાના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ નવાગામમાં ચાલતા સીસી રોડના કામનું જ્યારે જ્યારે એજન્સી દ્વારા બિલ મુકવામાં આવતું હતું ત્યારે પરેશભાઇને તેમના ઉપરી અધિકારી ઓફિસમાં બોલાવતા હતા અને કોઇને કોઇ મુદ્દે ઠપકો આપી પ્રેશર આપતા હતા, પરેશભાઇએ જ્યારે સીસી રોડના લેવલિંગનું સેમ્પલ લીધું હતું ત્યારે પણ અધિકારીએ તેમને ખખડાવ્યા હતા.
કાળુભાઇ, ન્યારી ડેમના ચોકીદારે જણાવ્યું : કોઇની સાથે જોરજોરથી ફોનમાં વાત કરતા’તા, ફોન પૂરો કરી ડેમમાં ઝંપલાવ્યું
હું સાંજે ન્યારી ડેમે ચોકીદાર તરીકે નોકરી પર હતો ત્યારે ડેમની સાઇટ પર એક કાર આવી હતી, અને સાઇડમાં કાર પાર્ક થઇ હતી, કારમાં એક જ વ્યક્તિ બેઠા હતા, કારચાલક કોઇની સાથે કારમાં બેઠા બેઠા ફોનમાં વાત કરતા હતા, ફોનમાં વાત કરતી વખતે તે જોરજોરથી બોલતા હતા, મને કંઇ સમજાતું નહોતું, કોઇની વાતમાં વચ્ચે ક્યાં પડવું તેવું વિચારી હું મારી જગ્યાએ બેઠો હતો, ફોન પૂરો થતાં જ કારમાંથી તે વ્યક્તિ નીચે ઉતર્યા હતા અને ડેમના પુલ પર જઇ મારી નજર સામે જ તેમણે ડેમમાં કૂદકો મારી દીધો હતો, ફોનમાં કોની સાથે અને ક્યા મુદ્દે વાત ચાલતી હતી તેની મને જાણ નહોતી પરંતુ કારચાલક રોષે ભરાયેલા હોય જોરજોરથી ફોનમાં બોલતા હતા અને દૂર સુધી તેમનો અવાજ સંભળાતો હતો, આપઘાત અંગે જાણ કરાતા પોલીસ પહોંચી હતી ત્યારે મને જાણ થઇ હતી કે આપઘાત કરનાર વ્યક્તિ મહાનગરપાલિકાના એન્જિનિયર પરેશભાઇ જોષી હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.