રાજકોટ NSUIએ શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે, જેમાં જણાવ્યું છે કે, પંચાયત ચોક નજીક આવારા તત્વો અડિંગો જમાવીને બેસે છે. તેમજ સ્કૂલ-કોલેજ જતી વિદ્યાર્થિઓની પજવણી કરે છે. આથી આવા આવારા તત્વોને લીધે વિદ્યાર્થિનીઓ અને લોકોને મુશ્કેલી પડી રહી છે. આ મુશ્કેલી દૂર કરવા અમારી માગ છે.
પગપાળા સ્કૂલ-કોલેજ જતી વિદ્યાર્થિનીઓ પરેશાન
વધુમાં જણાવ્યું છે કે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીક આવેલા પ્રજ્ઞેશ મેડિકલથી ચંદ્રમૌલેશ્વર મંદિર તરફ જતાં રસ્તા પર આવારા તત્વો અડિંગો જમાવીને બેસે છે. પગપાળા સ્કૂલ-કોલેજ જતી પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ માટે એકમાત્ર વૈકલ્પિક માર્ગ છે. નજીક આવેલી ધોળકિયા સ્કૂલ અને અનેક ક્લાસિસની વિદ્યાર્થિનીઓ માટે મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પાન-ગલ્લાઓ, ચાની હોટલો નજીક રસ્તા પર દબાણરૂપ વાહનો ઉભા રાખી તેના પર અને દીવાલની પાળ પર બેસી વિદ્યાર્થિનીઓ પર ગંદી કોમેન્ટસ કરે છે. આ રસ્તા પર નીકળતી અનેક વિદ્યાર્થિનીઓ ખચકાટ અનુભવતી હોવાથી અન્ય રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બની છે.
આ બાબત ગંભીરતાથી ધ્યાને લેવા માગ
રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે, ભવિષ્યમાં આ બાબત ગંભીરતાપૂર્વક ધ્યાને નહીં લેવામાં આવે તો વિદ્યાર્થિનીઓ છેડતીનો ભોગ બને તેવી શક્યતા છે. ઉપરની તમામ બાબતો કોઈ ધંધાર્થીને નડતરરૂપ બનવા માટે નહીં પરંતુ વિદ્યાર્થિનીઓની ફરિયાદો અને રાહદારીઓની વાસ્તવિક મુશ્કેલીઓનો આધારે ધ્યાન દોર્યું છે. તેમ NSUI ગુજરાતના મંત્રી મીત પટેલ અને જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે. જો આ અભદ્ર કોમેન્ટનો શિકાર ન બનવું હોય તો વિદ્યાર્થિનીઓને કોલેજ જવા માટે એક કિલોમીટર જેટલુ વધારે ફરીને જવું પડે છે. કારણ કે ઘણીવાર વિદ્યાર્થિનીઓ આવારા તત્વોના ગંદી કોમેન્ટ્સ ભોગ બની ચૂકી હોવાની ફરિયાદ અમને મળી હતી. જે અંતર્ગત આજે રજૂઆત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.