તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટિયન્સનાં આરોગ્ય સાથે ચેડાં:નકલી દૂધ કૌભાંડમાં ખુલાસો - 3 ફેટના દૂધમાં તેલ નાંખતા 7 ફેટ થાય છે, સ્વાદ માટે પાઉડરનો ઉમેરો કરતાં હતાં

રાજકોટએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • ભેળસેળવાળા દૂધ બાળકોના શરીરમાં જાય તો નુકસાન કરે કારણ કે, બાળકોનું પાચનતંત્ર ઘણું નબળું હોય છે : તબીબ

રાજકોટમાં દરરોજ 10000 લિટર કરતા વધુ અખાદ્ય દૂધ પધરાવીને નફો રળતા કૌભાંડીઓને ખુલ્લા પાડવા દિવ્ય ભાસ્કરે સતત 15 દિવસ સુધી તપાસ કર્યા બાદ 1000 લિટર અખાદ્ય દૂધ ભરેલા મિનિ ટેમ્પોનો પીછો કરીને પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડી ટેમ્પોને પકડ્યો હતો. જેમાંના દૂધનો ખાનગી લેબમાં ટેસ્ટ કરાતા અખાદ્ય સાબિત થયું છે. દૂધનો નાશ કરાયો છે જ્યારે વધુ પૃથક્કરણ માટે સરકારી લેબમાં સેમ્પલ મોકલાયા છે.

રિપોર્ટ પહેલાં જ ભેળસેળ કર્યાની સાબિતી મળી
દૂધ તેમજ વાહન છોડાવવા માટે પોલીસે જ્યાંથી દૂધ આવ્યું હતું તે ઉપલેટાના ઢાંક ગામના વિજય ભાભલુ માંકડને બોલાવ્યો હતો પણ તેને પોતે કરેલી કરતૂતોની ખબર હોવાથી ફરાર થઈ ગયો હતો અને પોલીસ સમક્ષ હાજર ન થતા રિપોર્ટ આવ્યા પહેલા જ ભેળસેળ કર્યાની સાબિતી મળી હતી.

હલકી ગુણવત્તાના પાઉડર નાંખતા
કૌભાંડીઓ દૂધમાં ભેળસેળ કેવી રીતે કરે છે તેમજ કેવા કેમિકલ નાંખે છે તે જાણવાનો પ્રયત્ન કરતા બહાર આવ્યું હતું કે, જે દૂધ આવ્યું હોય તેને વારંવાર ઉકાળીને તેમાંથી મલાઈ અને તેની મીઠાશ કાઢી લેવાય છે. બાદમાં ફેટ માપતા 3 કે 4 જ ફેટ રહે છે. હવે આ દૂધનું ફેટ વધારવા તેમાં કોઇપણ સસ્તા પ્રકારના તેલનો ઉમેરો કરી દેવાય છે જેથી ફેટ ફરીથી 7ની આસપાસ આવી જાય છે. જોકે તેલ ઉમેરવાથી દૂધમાં ફેટ વધે પણ દૂધ ઘાટું થતું નથી તેથી તેને ઘાટું બનાવવા તેમજ મીઠાશ ઉમેરવા માટે હલકી ગુણવત્તાના પાઉડર નંખાય છે જેમાં ગ્લુકોઝથી માંડી બીજા તત્વો હોય છે. આ રીતે દૂધ તૈયાર કરીને બજારમાં પધરાવી દેવાય છે.

વિવિધ કેમિકલ નાખવામાં આવતા
આ દૂધ ખરીદનારા વેપારીઓને પણ ખબર હોય છે કે આ દૂધ કેવી રીતે બને છે તેથી તેનો સીધો ઉપયોગ કરવાને બદલે અન્ય દૂધમાં ભેળસેળ કરીને ઉપયોગમાં લેવાય છે. આવા દૂધની શરીર પર શું અસર થાય તે અંગે તબીબોનો સંપર્ક કરતા ડો.મેહુલ મિત્રાએ જણાવ્યું હતું કે, આવા ભેળસેળવાળા દૂધ બાળકોના શરીરમાં જાય તો નુકસાન કરે કારણ કે, બાળકોનું પાચનતંત્ર ઘણું નબળું હોય છે. જો આવા કેમિકલ શરીરમાં જાય તો આંતરડાના ગંભીર રોગ પણ થઈ શકે છે.