હડતાળ:ગામડાંઓમાં જન્મ અને મરણના દાખલા સહિતની કામગીરી ખોરવાશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યભરના 8500થી વધુ તલાટી જોડાશે
  • ફિક્સ પગારના તલાટીની નોકરી સળંગ ગણવી સહિતની માગણીઓ

ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો-ગ્રામજનોના આવક, જન્મ, મરણના દાખલાથી લઇને તમામ પ્રકારની વહીવટી પ્રક્રિયા-કામગીરીમાં જેની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા રહેતી હોય તેવા તલાટી કમ મંત્રીઓ દ્વારા વણઉકેલ માગણીઓને લઇને મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળનું રણશિંગું ફૂંકાયું હોઇ, ગામડાંઓમાં સરકારી વહીવટી કામગીરી ખોરવાઇ જશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

રાજ્યસ્તરે 8500થી વધુ તલાટી કમ મંત્રીઓની હડતાળ અંતર્ગત રાજકોટના 370 તલાટી દ્વારા પણ સજ્જડ હડતાળમાં જોડાઇને કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઇ મોદીએ જણાવ્યું હતું કે, તલાટીની વણઉકેલ માગણીઓ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પ્રશ્નો ઉકેલાયા નથી, જેથી અંતે હડતાળ પાડવાનું નક્કી કરાયું છે.

તલાટી મહામંડળના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ચિરાગભાઇ ગેરૈયાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં અંદાજે 18700 ગામડાંમાં કુલ 8500 જેટલા તલાટી કાર્યરત છે. રાજ્યસ્તરે કુલ મહેકમ મુજબ સત્તાવાર રીતે તલાટીઓની સંખ્યા ઓછી છે, ઘણા તાલુકાઓમાં એક એક તલાટીઓ પાસે બબ્બે કે ત્રણ ત્રણ ગામડાંઓના ચાર્જ છે. સરકાર પાસે તલાટીઓની ભરતી અંગે પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં 591 ગ્રામપંચાયત પૈકી તલાટીઓની સંખ્યા 370 જ છે. તલાટીઓની ઓછી સંખ્યાને કારણે ગામડાંઓમાં સમયસર એક તબક્કે વહીવટી કામગીરી કરવામાં મુશ્કેલી પડી રહી હોઇ તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. 2જી ઓગસ્ટ મંગળવારથી રાજકોટ જિલ્લાના 370 તલાટી પણ હડતાળમાં જોડાશે. નિયત પ્રકારની તમામ વહીવટી કામગીરીથી અળગા રહેશે.

તલાટીઓની વણઉકેલ માગણીઓમાં ફિક્સ પગારના તલાટીઓની નોકરી સળંગ ગણવી, તલાટીઓને પંચાયત વિભાગ સિવાયની અન્ય કોઇ જવાબદારી ન સોંપવી, રેવન્યૂ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા અથવા તો તેમના જોબ ચાર્ટ અલગ કરવા સહિતના વિવિધ પ્રશ્નોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...