કોરોના રાજકોટ LIVE:સતત બીજા દિવસે કોરોનાથી વેરાવળના 50 વર્ષીય પુરૂષનું મોત, સ્વાઈન ફ્લૂમાં પણ એક દર્દીએ દમ તોડ્યો, 3 વેન્ટિલેટર પર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ત્રીજી લહેર બાદ રાજકોટમાં ગઇકાલે એક વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજ્યું હતું. આજે બીજા દિવસે પણ કોરોનાથી વેરાવળના 50 વર્ષીય પુરૂષનું મોત નીપજ્યું છે. આથી બે દિવસમાં કોરોનાથી બે દર્દીના મોત નીપજ્યા છે. વેરાવળના દર્દી બે દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયા હતા. પરંતુ આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂએ પણ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. સ્વાઈન ફ્લૂથી પણ એક દર્દીનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે.

ગઈકાલે 88 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત નીપજ્યું હતું
રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા ક્રમશ: વધી રહી હતી પણ ત્રીજી લહેર બાદ પ્રથમ મોત નોંધાયું છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર 2 તારીખે કોરોના પોઝિટિવ આવેલા 88 વર્ષીય વૃદ્ધાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન 5 ઓગસ્ટે તેમનું મોત નીપજ્યું હતું. તંત્રના જણાવ્યા અનુસાર વૃદ્ધાને હૃદય સંબંધી બીમારી હતી અને પેસમેકર પણ મુકાયેલું હતું. આથી માત્ર કોરોના જ નહીં પણ કો-મોર્બિડ સ્થિતિમાં મોત થયાનું હાલ તો નોંધાયું છે. સતત કેસ વધતા એક્ટિવ કેસની સંખ્યા 368 પર પહોંચી છે. બીજી તરફ સ્વાઈન ફ્લૂએ પણ હાહાકાર મચાવ્યો છે. હાલ સ્વાઈન ફ્લૂના 6 દર્દી હોસ્પિટલમાં દાખલ છે.

શનિવારે કોરોનાના 56 પોઝિટિવ કેસ નોંધાયા
શનિવારે કોરોનાના 56 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં બે 9 વર્ષ અને એક 1 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. કેસની સંખ્યા વધારે રહેતા ક્યા વિસ્તારના કેસ છે તે જાહેર કરવાને બદલે હવે જે તે આરોગ્ય કેન્દ્ર મુજબ કેસની ફાળવણી કરાઈ છે. આ યાદી મુજબ વોર્ડ નં. 1માં આવેલા શ્યામનગર આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. નવા પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. તેની સામે ડિસ્ચાર્જની સંખ્યા હજુ ઓછી છે. શનિવારે ફક્ત 23 જ ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસનો આંક વધીને 368 થયો છે. જ્યારે કોરોનાના કુલ કેસ 64821 થયા છે.

રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો પગપેસારો
રાજકોટ શહેરમાં કોરોના અને મચ્છરજન્ય રોગ બાદ હવે સ્વાઈન ફ્લૂએ પણ દેખા દીધી છે અને શહેરના આરોગ્ય પર હવે ત્રણ દિશામાંથી પ્રહાર થઈ રહ્યા છે. સ્વાઈન ફ્લૂના કેસ ત્રણ વર્ષે દેખાયા છે, પણ હાલ આ રોગ સરકાર દ્વારા નોટિફાય ન હોવાથી કોઇ વિગતો એકત્ર કરાઈ રહી નથી. તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ નથી કરાતા. જ્યારે સ્થિતિ હાથમાંથી નીકળી જશે ત્યારે તંત્ર દોડતું થશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...