લૂંટનો ભેદ ઉકેલાયો:રાજકોટના માયાણી ચોકમાં રૂ.5 લાખની રોકડ સાથે એક્ટિવાની લૂંટ કરનાર 4 ઝડપાયા, પોલીસે ગણતરીના કલાકોમાં મુદ્દામાલ કબ્જે કર્યો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે આરોપીની ધરપકડ કરી
  • CCTVના આધારે પોલીસે પગેરું ઉકેલ્યું
  • 2 સગીર સહિત 4 શખસની ધરપકડ કરી

રાજકોટ શહેરના માયાણી ચોકમાં એક્ટિવા પર પસાર થઈ રહેલા યુવકને આંતરીને માર મારી ત્રણ શખસ રૂપિયા 5 લાખની રોકડ સાથે એક્ટિવ પણ લૂંટીને ફરાર થઇ ગયા હતા. દિન દહાડે થયેલી પડકારજનક લૂંટનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલીને બે સગીર અપરાધી સહિત રાજકોટ, મોરબીના 4 શખસની અટકાયત કરી લૂંટનો તમામ મુદ્દામાલ અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ સ્કૂટર કબજે કર્યું હતું. પોલીસ તપાસમાં સમયે આવ્યું હતું કે, ચોરી કરવા ગયેલા 3 શખસો સાથે વધુ એક આરોપી પણ હતો. જે તેમને માર્ગદર્શન આપી રહ્યો હતો. જેથી ચારેયની ધરપકડ કરાઈ હતી.

આજી રીંગ રોડ પરના CCTVમાં આરોપી કેદ થયા
આજી રીંગ રોડ પરના CCTVમાં આરોપી કેદ થયા

મંગળવારે રૂ.5 લાખની લૂંટ કરી
આ અંગે ક્રાઇમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.વી.બસીયાએ જણાવ્યું હતું કે,કોઠારિયા ચોકડી નજીક આજી ડેમ રિંગ રોડ પર આવેલા સુફલમ ક્રોપ ટાઇમ નામના કારખાનામાં નોકરી કરતો અને વૃંદાવન સોસાયટીમાં રહેતો વિશાલ અનિલભાઇ ઘોડેચા (ઉ.વ.30) મંગળવારે બપોરે કારખાને કામ પર હતો ત્યારે કારખાના માલિક યોગેશભાઇ ગોધાણીએ ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલપંપ નજીક પ્લેનેટ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી એનઆર આંગડિયા પેઢીમાં આવેલું તેનું રૂ.5 લાખનું આંગડિયું લઇ આવવા કહ્યું હતું. વિશાલ એક્ટિવા લઇ આંગડિયા પેઢીએ પહોંચ્યો અને રૂ.5 લાખ રોકડા લઇ એક્ટિવાની ડેકીમાં રાખી રવાના થયો હતો.

ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.વી.બસીયા
ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.વી.બસીયા

એક્ટિવા લઇ બે શખ્સ નાસી ગયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માયાણી ચોક નજીક આવેલી ધરતી પ્રિન્ટિંગ નામની પેઢીએ પણ કારખાના માલિકે સોંપેલું કામ પૂરું કરવા વિશાલ માયાણી ચોક નજીક પહોંચ્યો હતો ત્યારે પાછળથી ટ્રિપલસવારીમાં એક્ટિવા ધસી આવ્યું અને તેણે ઓવરટેક કરી વિશાલના એક્ટિવા સામે જ પોતાનું વાહન રાખી દીધું હતું, ત્રણ પૈકીનો એક શખ્સ હુમલાના ઇરાદે વિશાલ સામે ધસી જતા નીચે ઉતર્યો હતો, અને ત્રણેય શખ્સે વિશાલને પકડી મારકૂટ શરૂ કરી બે શખ્સે વિશાલને છોડી તેનું એક્ટિવા લઇ બે શખ્સ નાસી ગયા હતા, જ્યારે વિશાલને પકડીને ઊભેલા શખ્સે પણ થોડી મારકૂટ કરી તેનું એક્ટિવા લઇ જતો રહ્યો હતો.

રૂ.5 લાખ કબ્જે
રૂ.5 લાખ કબ્જે

આરોપીઓ CCTVમાં કેદ થયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં વિશાલ સ્વસ્થ થયો ત્યારે તેને અહેસાસ થયો હતો કે ત્રણ શખ્સ રૂ.5 લાખની રોકડ સાથેનું પોતાનું એક્ટિવા લૂંટીને નાસી ગયા હતા. લૂંટની ઘટના અંગે વિશાલે તેના કારખાનાના માલિક યોગેશભાઇને ફોનથી જાણ કરતા યોગેશભાઇ સ્થળ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરતા વિશાલનું એક્ટિવા મવડી ઓવર બ્રીજ નીચેથી રેઢું મળી આવ્યું હતું, જોકે ડેકીમાંથી રોકડા રૂ.5 લાખ ગાયબ હતા. CCTV ફૂટેજ ચેક કરતાં લૂંટારુઓ આજી ડેમ ચોકડી નજીક કેમેરામાં કેદ થયા હતા.લૂંટારા ડીકીમાંથી રોકડ કઢીને પોતાના સ્કૂટરમાં ત્રિપલ સવારીમાં આજી ચોકડી તફર ભાગ્યા હતા. અને છેલ્લે આજી રીંગ રોડ પરના CCTVમાં કેદ થયા હતા.

પોલીસે લૂંટમાં ઉપયોગમાં લીધેલું સ્કૂટર કબજે કર્યું
પોલીસે લૂંટમાં ઉપયોગમાં લીધેલું સ્કૂટર કબજે કર્યું

બાતમીને આધારે રેઇડ પાડી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ દરમિયાન લૂંટમાં સંડોવાયેલા આરોપીઓ અંગે એસઓજીના પીએસઆઈ ડી.બી.ખેર, હેડ કોન્સ્ટબલ ઘનશ્યામસિંહ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે, આ લૂંટના ચારેય આરોપી ચૂનારાવાડમાં મુખ્ય આરોપીના ઘરમાં છુપાયા છે. જેથી પોલીસે દરોડા પાડીને આરોપી મહેન્દ્ર ઉર્ફે લાલો દિનુ ગીડા(ઉ.વ.20, રહે, ચૂનારાવાડ ચોક, રાજકેટ), ચિરાગ સંજય જાદવ (ઉ.વ.21, રહે વાવડી ગામ, મોરબી) અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરને ઝડપી લઈ લૂંટમાં ગયેલા રૂ.5 લાખ તેમજ લૂંટમાં ઉપયોગમાં લીધેલું સ્કૂટર કબજે કર્યું હતું.પકડાયેલા બે બાળ અપરાધી પૈકી એક સગીર અગાઉ થોરાળા વિસ્તારમાં ખૂનના ગૂનામાં પકડાઈ ચૂક્યો છે.