રાજકોટમાં રેમડેસિવિર કૌભાંડ:કોઈપણ સરકારી કર્મચારીની સંડોવણી હશે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે: નોડલ ઓફિસર

રાજકોટએક વર્ષ પહેલા
નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા. - Divya Bhaskar
નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા.
  • લલિત વસોયાનો આક્ષેપ:કૌભાંડમાં અનેક મોટાં માથાંની સંડોવણી
  • સ્વસ્થ થવાનો રેશિયો 25 દિવસ પહેલાં 53 ટકા હતો, જે હવે 82 ટકા પર પહોંચ્યો

રાજકોટમાં ગઈકાલે રેમડેસિવિર કૌભાંડનો પર્દાફાશ થતાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી હતી. રેમડેસિવિર કૌભાંડ મામલે નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેકશનનાં કાળાં બજાર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ સરકારી કર્મચારીની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ધારાસભ્ય લલિત વસોયાએ સિવિલ હોસ્પિટલના સ્ટોરમાં કાળાં બજારનો પાયો નખાયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઇન્જેકશનનાં કાળાં બજાર મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો આ કૌભાંડમાં સરકારી કર્મચારીની સંડોવણી જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે 25 દિવસ પહેલાં રાજકોટ શહેરમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વસ્થ થવાનો રેશિયો 53 ટકા હતો જે 82 ટકા પર પહોંચી ગયો છે. બીજી તરફ મૃત્યુ આંકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ: લલિત વસોયા
લલિત વસોયાએ રેમડેસિવિર કૌભાંડ મામલે આક્ષેપ કરતાં કહ્યું હતું કે આ કૌભાંડમાં અનેક મોટાં માથાંની સંડોવણી છે. જેથી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે. સિવિલ હોસ્પિટલના સ્ટોરમાં કાળાં બજારનો પાયો નખાયો હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

4800નું એક ઇન્જેક્શન 10 હજારથી 12 હજારમાં વેચતા હતા
આરોપીઓ લોકોની જરૂરિયાતનો લાભ લઈને 4800 રૂપિયાનું એક ઇન્જેક્શન 10 હજારથી 12 હજારમાં વેચતા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચે છટકું ગોઠવીને આખી ચેઈનનો પર્દાફાશ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત 5 શખસોને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાની મહામારીમાં ઘણા લોકો જીવનરક્ષક એવા રેમડેસિવિર નામના ઇન્જેકશનનો કાળો કારોબાર ચલાવતા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આ અંગે માહિતી મળી હતી જેના આધારે પોલીસે ડમી ગ્રાહક ઊભા કરીને બે ઇન્જેકશનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું અને દેવયાનીનો સંપર્ક કર્યો હતો જેના આધારે પોલીસે આખી ટોળકીનો પર્દાફાશ કર્યો. પોલીસના કહેવા પ્રમાણે 4800 રૂપિયામાં આવતા આ ઇન્જેકશન આ ટોળકી 10 હજાર રૂપિયામાં વેચતા હોવાનું સામે આવ્યું છે. જોકે અત્યારસુઘીમાં કેટલા લોકોને આ ઇન્જેકશન આપ્યાં છે એ દિશામાં તપાસ ચાલુ છે.

પોલીસે કેવી રીતે આરોપીને ઝડપ્યાં?
પંચવટી સોસાયટીમાં આવેલી જલારામ હોસ્પિટલ કેમ્પસના મેડિકલ સ્ટોરમાં કામ કરતા અંકિત મનોજ રાઠોડે રૂ.15 હજારમાં બે ઇન્જેક્શન આપ્યાની દેવ્યાનીએ કબૂલાત આપતાં પોલીસે અંકિતને ઉઠાવ્યો હતો અને અંકિતે રૂ.14 હજારમાં એ જ મેડિકલ સ્ટોરના કર્મચારી નવલનગરના જગદીશ ઇન્દ્રવદન શેઠ પાસેથી ખરીદ કર્યાનું ખૂલતાં પોલીસે જગદીશને પણ ઉઠાવી લીધો હતો અને જગદીશે અગાઉ ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાં કામ કરતા અને છેલ્લા દસ મહિનાથી સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રેક્ટ પર નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતા લક્ષ્મીનગરના હિંમત કાળુ ચાવડા પાસેથી રૂ.12 હજારમાં બે ઇન્જેક્શન ખરીદ કર્યાનું ખૂલતાં પોલીસે હિંમત ચાવડાને પણ પકડી લીધો હતો. દેવ્યાની અગાઉ જલારામ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હોવાથી તેને અંકિત રાઠોડનો પરિચય હતો, અને આ આખી ગેંગે દર્દીની મજબૂરીનો લાભ ઉઠાવવાનો કારસો રચ્યો હતો, હિંમત ચાવડાએ સિવિલ હોસ્પિટલમાંથી બંને ઇન્જેક્શન ચોરી કર્યાની પોલીસને દૃઢ શંકા છે.