આજથી 6 વર્ષ પહેલાં 2016માં શાંત શહેર રાજકોટના નગરજનો સતત 3 મહિના સુધી ભયના ઓથાર હેઠળ રહ્યા હતા. એનું કારણ હતું ત્રણ-ત્રણ નિર્મમ હત્યા કરનારો 'સ્ટોનકિલર' ઉર્ફે હિતેષ દલપતરામ રામાવત. એ સમયે ખુલ્લેઆમ ફરતા સ્ટોનકિલરે લોકમાનસમાં રીતસર ફફડાટ ફેલાવ્યો હતો. તો ચોક્કસ વિસ્તારમાં લોકો રાત-રાત જાગીને ચોકીપહેરો કરવા લાગ્યા હતા. ગે માનસ ધરાવતા સ્ટોનકિલરે રાજકોટ પોલીસના નાકે પણ દમ લાવી દીધો હતો, પરંતુ પોલીસની સઘન તપાસને પગલે 2 જુલાઈ 2016ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. આજે કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે સ્ટોનકિલરને એક હત્યાના કેસમાં આજીવન કેદની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે એક વર્ષ પહેલાં શંકાના આધારે 2 કેસમાં સ્ટોનકિલરનો નિર્દોષ છુટકારો મળ્યો હતો.
ક્યારે કોની હત્યા કરી તેની તવારીખ
સ્ટોનકિલરે નાનપણમાં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો
રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ફફડાવનાર સ્ટોનકિલરને ઝડપી લેવામાં પોલીસને અંતે સફળતા મળી હતી. બાળપણમાં 16 વર્ષની ઉંમરે તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. ભક્તિનગર રેલવે સ્ટેશન યાર્ડના ગોડાઉન પાછળ જ સ્ટોનકિલરે પહેલી હત્યાને અંજામ આપ્યો હતો. સમલૈંગિક સંબંધ ધરાવતા સાગર મેવાડા સ્ટોનકિલરનો પહેલો શિકાર બન્યો હતો. તેને તરફડિયાં મારતો જોઈને તેને વિકૃત મજા આવતાં તેણે હત્યાનો સિલસિલો શરૂ કર્યો હતો. બાળપણમાં તેના પર થયેલા સૃષ્ટિ વિરુદ્ધને કારણે તેણે જવાનીમાં આપઘાત કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ તેણે મરવાનું નહીં, મારવાનું નક્કી કર્યું હતું.
વાંચનનો શોખ, સાવધાન ઈન્ડિયા- ક્રાઈમ પેટ્રોલ જોતો
શહેરમાં 3 હત્યા કરનાર સ્ટોનકિલર હિતેષ માત્ર ધોરણ-6 ભણ્યો હોવા છતાં તેને પેપર વાંચનનો ખૂબ શોખ હતો. તે લાઇબ્રેરીમાં જઈને પેપર વાંચતો હતો. હિતેષ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો હતો અને મોબાઈલમાં ફેસબુકનો વ્યસની હતો. હિતેષ સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ પેટ્રોલ જેવી ક્રાઈમ ટીવી સિરિયલ જોવાનો શોખીન હતો, સાથે સાથે તે ડિટેક્ટિવ ફિલ્મ, ઓનલાઈન બીભત્સ ફિલ્મ જોતો હતો. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ પેટ્રોલ ટીમે રાજકોટ પોલીસનો આ મામલે સંપર્ક કરીને સમગ્ર હત્યાકાંડ પર સિરિયલ બનાવવા મદદ માગી હતી.
પૈસાની લાલચમાં ખૂન કર્યા
20 જૂને સાગર મેવાડાને ત્રિકોણ બાગે મળીને ભક્તિનગર યાર્ડમાં લઈ જઈને હત્યા બાદ તેના મોબાઈલ અને રોકડ લૂંટ્યા લીધા હતા. ત્યાર બાદ તેને પૈસા લૂંટી લેવાની લાલચ જાગી હતી. એ જ રીતે તેણે 23 મેએ રિક્ષાચાલક પ્રવીણ બારડની રિક્ષા ભાડે કરીને યુનિવર્સિટી રોડ પર પથ્થર મારીને મોબાઈલ, રોકડ અને રિક્ષાની લૂંટ ચલાવી હતી, પરંતુ શારીરિક સંબંધો બાંધ્યા નહોતા. છેલ્લે 2જી જૂને વલ્લભ રંગાણીની હત્યામાં તેણે ચોરેલા એક્ટિવામાં લઈ જઈને શારીરિક સંબંધો બાદ ગુનોને અંજામ આપ્યો હતો અને મોબાઈલ-રોકડ લૂંટી લીધી હતી.
મોબાઈલ પરથી કોલ કરવાની આદત
હત્યા બાદ સ્ટોનકિલર મૃતકનાં સ્વજનોને ફોન કરતો અને હત્યા કરી હોવાની માહિતી આપતો હતો. સાગર મેવાડાના કિસ્સામાં એ કરી શક્યો નહોતો, કેમ કે તેનો મોબાઈલ સ્ક્રીન લોક હતો. પ્રવીણ બારડ અને વલ્લભ રંગાણીનાં સ્વજનોને ફોન કરીને હિન્દી ભાષામાં ‘ટપકા ડાલા હૈ’ એવું કહી ફોનનું કાર્ડ કાઢી નાખતો હતો. તેની પાસેથી પોલીસે 20 સિમકાર્ડ જપ્ત કર્યાં હતાં.
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાનો વતની હતો
સ્ટોનકિલર હિતેષનું વતન સુરેન્દ્રનગરનું સદાદ છે. હિતેષને એક ભાઈ, એક બહેન છે અને તે સૌથી નાનો છે. રાજકોટના કારખાનામાં કામ કરતો, ત્યાર બાદ 12 વર્ષની ઉંમરે જામનગર જતો રહ્યો હતો. ત્યાં વિવિધ જગ્યાએ ટ્રાન્સપોર્ટમાં ક્લિનરની નોકરી કરતો અને બેડેશ્વરમાં રહેતો હતો, પરંતુ પાછો રાજકોટ આવી ગયો હતો અને ભાઈ સાથે રહેતો હતો. તે કોઈ કામ-ધંધો ન કરતાં ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
પરિવારે ઘરેથી કાઢી મૂકતાં ભટકતું જીવન જીવતો
ઘરેથી કાઢી મૂક્યા બાદ તે રાજકોટમાં ભટકતો રહેતો હતો. તે મોટે ભાગે સિવિલ હોસ્પિટલ અને જ્યુબિલી ગાર્ડન સહિતની જગ્યાએ પડ્યોપાર્થર્યો રહેતો હતો. દરમિયાન તે સમલૈંગિક સંબંધોમાં આગળ વધ્યો હતો અને પૈસાની લાલચમાં આ પ્રવૃત્તિમાં સક્રિય થઈ ગયો હતો. વર્ષ 2001માં તેના મોટા ભાઈનાં લગ્ન થયાં હતાં. ત્યારે પણ તેના વર્તનવ્યવહાર સારાં ન હોવાથી તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. ત્યાર બાદ તે અહીં-તહીં રખડતું જીવન ગુજારતો હતો.
સગીર વયે જાતીય અત્યાચારનો ભોગ બન્યો હતો
બાળપણમાં જ અત્યાચારનો શિકાર બન્યો હોવાથી રખડુ જીવન ગુજારતો હિતેષ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાયો અને સ્ટોનકિલર સુધી પહોંચી ગયો હતો. તે હત્યા કરી લીધા બાદ પૈસા લૂંટી લેતો હતો. સગીરાવસ્થામાં તે પોતે પણ જાતીય અત્યાચારનો ભોગ બન્યો હતો અને ત્યાર બાદ તેની વિકૃતિ સતત વધતી ગઇ હતી. હિતેષના મોટા ભાઇ જયેશના જણાવ્યા મુજબ હિતેષે અભ્યાસ અડધેથી છોડી દીધો હતો. 2001માં જયેશનાં લગ્ન થયા બાદ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.