તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હે રામ!:રાજકોટમાં ઘરકંકાસમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી, ગર્ભમાં રહેલાં બે બાળકોનાં પણ મોત, બનેવીએ એસિડ પીવડાવી દીધાનો સાળાનો આક્ષેપ

રાજકોટએક મહિનો પહેલા
સગર્ભાના મૃતદેહનું પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું, રિપોર્ટની જોવાતી રાહ.
  • મૃતકનો પતિ મૂળ મેંદરડાના અંબાળા ગામનો વતની, કેટલાક સમયથી ભીચરી ગામે રહી છૂટક મજૂરી કરે છે

રાજકોટના ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન સોલંકીએ ગઇકાલે એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાતે મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પતિ વસંતે કહ્યું હતું કે ઘરમાં ક્લેશ થતાં પત્નીએ આ પગલું ભર્યું હતું. બીજી તરફ, જીવુબેનનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે પતિનો ત્રાસ હતો, એસિડ પીવડાવી દેવામાં આવ્યું છે. કરુણતા એ છે કે મોતને ભેટેલી જીવુબેનના પેટમાં બે સંતાન ઊછરી રહ્યાં હતાં, તેનાં પણ મોત નીપજ્યાં છે. આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે તેમજ પતિ વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતા
પ્રાપ્ત વિગત મુજબ, રવિવારે સવારે અગિયારેક વાગ્યે ભીચરીમાં જીવુબેન વસંત સોલંકી એસિડ પી જતાં સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતાં અને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. તેનાં ભાઇ-ભાભી ઉનાના જરગલી ગામે રહે છે. ભાઇ ભરતભાઇ કાનાભાઇ શિયાળ અને ભાભી સહિતનાં સ્વજનો બનાવની જાણ થતાં રાજકોટ દોડી આવ્યાં હતાં.

પતિ અને સસરાનો સતત ત્રાસ હોવાનો ભાઈનો આક્ષેપ
મૃતકનો પતિ વસંત નરસીભાઇ સોલંકી મૂળ મેંદરડાના અંબાળા ગામનો છે. કેટલાક સમયથી ભીચરી ગામે રહી છૂટક મજૂરી કરે છે. તેણે કહ્યું હતું કે પૈસા બાબતે પત્ની વસંત સાથે ઝઘડો થતાં તેને માઠું લાગી જતાં તે એસિડ પી ગઇ હતી. જોકે મૃતકનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે અમારી બહેન જીવુને પતિ અને સસરાનો સતત ત્રાસ હતો. પતિ નાની નાની વાતે વારંવાર ઝઘડા કરતો હતો. ગઇકાલે પણ તેણે અમને ફોન કરીને કહ્યું હતું કે તમારી બહેનને તેડી જાઓ, નહીંતર પૂરી થઇ જશે. અમારી બહેન આપઘાત કરે તેવી હતી જ નહિ, તેને બળજબરીથી એસિડ પીવડાવી દેવામાં આવ્યું હશે.

કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી.
કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી.

ગર્ભમાં જુડવા સંતાન ઊછરી રહ્યાં હતાં
ભરતભાઇએ એમ પણ કહ્યું હતું કે હાલમાં અમારી બહેન જીવુબેનને સારા દિવસો જઇ રહ્યા હતા. સોનોગ્રાફી રિપોર્ટમાં ગર્ભમાં બે બાળક ઊછરી રહ્યાનું જણાવાયું હતું. આમ, જીવુબેનનાં મોત સાથે ગર્ભમાં ઊછરી રહેલાં જુડવા સંતાનનાં પણ મોત થયાં છે. આક્ષેપો અંગે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે, સાથે હાલ પતિ વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજકોટમા માનસિક બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું
ત્રણ મહિના પહેલા રાજકોટના મવડી અંકુરનગર મેઇન રોડ પર રહેતી મહિલાએ એ.એસ.આઇ. પતિને ફોન કરી ‘હું કંટાળી ગઇ છું, હું જાવ છું’ કહી માનસિક બીમારીના લીધે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો હતો. મૃતક જ્યોત્સનાબેનને સંતાનમાં બે પુત્ર છે. મોટો પુત્ર અલગ રહે છે. ઘણા સમયથી માનસિક બિમારીની દવા ચાલુ હતી. આથી માનસિક તકલીફથી કંટાળી તેણે આ પગલું ભર્યાનું ખુલ્યું હતું.

પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો
અંકુરનગર મેઇન રોડ પર શિવ પ્રોવિઝન સ્ટોર સામે રહેતા જ્યોત્સનાબેન કાનજીભાઇ લોખીલ (ઉં.વ.58) ત્રણ મહિના પહેલા પોતાના ઘરે હતા અને તેના ASI પતિ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નોકરીએ હતા. આ સમયે પત્ની જ્યોત્સનાબેને ફોન કરી કહ્યું કે, ‘હું કંટાળી ગઇ છું, હું જાવ છું.’ બાદમાં જ્યોત્સનાબેને પંખાના હુકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો.