કોર્ટનો ચૂકાદો:શાસ્ત્રી મેદાન પાસેના હત્યા કેસમાં આરોપીના જામીન રદ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજચોરીમાં પકડાયેલા વેજાગામના શખ્સને 18 માસની સજા, છ ગણો દંડ ભરવા હુકમ

નિર્લજ્જ હુમલો અને મહિલાના પતિની હત્યા કરવાના કેસમાં જેલહવાલે રહેલા ભગવતીપરાના જાકીર હબીબ કૈડા નામના આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. આરોપી જાકીરે શાસ્ત્રી મેદાન પાસેની ફૂટપાથ પર પરિવાર સાથે સૂતેલી મહિલાને જગાડી શરીરસંબંધ બાંધવાની માગણી કરી હતી. જે માગણીનો મહિલા પ્રતિકાર કરતા આરોપી જાકીરે ઝઘડો કરી મહિલા પર નિર્લજ્જ હુમલો કર્યો હતો. આ સમયે ત્યાં સૂતેલો મહિલાનો પતિ જાગી જતા તેની સાથે પણ આરોપી જાકીરે ઝઘડો કર્યો હતો.

મામલો વધુ બિચકતા આરોપી જાકીરે મહિલાના પતિને પાઇપના ઘા ફટકારી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી જાકીરને ઝડપી લઇ જેલહવાલે કર્યો હતો. દરમિયાન આરોપી જાકીરે કરેલી જામીન અરજીનો સરકારી વકીલ સમીર ખીરાએ વિરોધ કરી આરોપી સામે પુરાવાઓ છે તેમજ ફરિયાદીએ પણ આરોપીને ઓળખી બતાવ્યો હોય તેવા સમયે આરોપીને જામીન પર છોડવો ન જોઇએની રજૂઆત કરી હતી. જેથી અધિક સેશન્સ જજ ડી.એ.વોરાએ આરોપીની જામીન અરજી રદ કરી છે.

જ્યારે રોણકી સબ ડિવિઝન વિસ્તારમાં પીજીવીસીએલના અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું. જેમાં અગાઉ વીજચોરીમાં પકડાયેલા આરોપી નાનજી માલકિયાએ ફરી એક વખત વીજચોરી કરતા હોવાનું ખૂલતા જીઇબી પોલીસમાં ફરિયાદ કરી હતી. જેનો કેસ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી સામે વીજચોરીનો ગુનો બનતો હોવાનું માની સજા ફટકારતો હુકમ કર્યો છે અને રૂ.52,324ની રકમના બિલના છ ગણા એટલે કે રૂ.3,13,946નો દંડ ભરવા આદેશ કર્યો છે અને જો દંડની રકમ ન ભરે તો વધુ છ મહિનાની સજાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...