સજા:તરુણી પર દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઠારિયા સોલવન્ટ વિસ્તારની તરુણીને જૂનાગઢ ભગાડી ગયો હતો
  • ખાસ પ્રકારના કાયદામાં પ્રોસિક્યુશનના કેસમાં ત્રુટિને મહત્ત્વ આપી ન શકાય

તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર કોઠારિયા સોલવન્ટ વિસ્તારના ચંદ્રેશ ઉર્ફે લાલો ભીખા ડોડિયા સામે કેસ ચાલી જતા પોક્સો અદાલતના જજ જે.ડી.સુથારે આઇપીસી 376 અને પોક્સો એક્ટની કલમ 4, 6 હેઠળ દોષિત ઠેરવી અંતિમ શ્વાસ સુધી (આજીવન) સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા આરોપી ચંદ્રેશ ઉર્ફે લાલાએ પાડોશમાં રહેતી સાતમા ધોરણની તરુણી સાથે મિત્રતા કેળવી હતી. તરુણી ગરબીની પ્રેક્ટિસમાં જતી હતી ત્યારે આરોપી ચંદ્રેશે તરુણીનું બાવડું પકડી લીધું હતું. આ સમયે તરુણીની માતા જોઇ જતા ચંદ્રેશ ઉર્ફે લાલાને ઠપકો આપી ધમકાવ્યો હતો. ત્યારે ચંદ્રેશ લાજવાને બદલે ગાજવા લાગી જૂનાગઢ મારા બાપનું છે અને હું ભાગી જઇશ તો કોઇ ગોતી શકશે નહિની ગર્ભિત ધમકી આપી હતી. આ ગર્ભિત ધમકીના બીજા જ દિવસે ચંદ્રેશ તરુણીને તેના ઘરેથી ભગાડી ગયો હતો.

બનાવના એક મહિના બાદ પોલીસે તરુણીને અને ચંદ્રેશને શોધી કાઢ્યા હતા. આ સમયે તરુણીની પૂછપરછમાં ચંદ્રેશે પોતાની સાથે બળજબરી કરી સાતથી આઠ વખત દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંનેના તબીબી પરીક્ષણ કરાવ્યા બાદ પોક્સોની કલમનો ઉમેરો કરી ચંદ્રેશની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આરોપી ચંદ્રેશ વિરુદ્ધ ખાસ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જેને પગલે સરકાર પક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ આરોપી તરફે બચાવ અને પ્રોસિક્યૂશનના કેસમાં વિસંગતતાઓ બતાવવામાં આવી છે તે તમામ ક્ષુલ્લક અને અસંબંધિત છે.

પોલીસ તપાસ દરમિયાન ભોગ બનનારના તબીબી પરીક્ષણમાં આરોપીના સીમેન મળી આવ્યા છે. ત્યારે પ્રોસિક્યૂશનનો આખો કેસ મેડિકલ એવિડન્સથી સાબિત થાય છે. આ ઉપરાંત સગીર વયની બાળાઓ પર થતા શારીરિક શોષણને અટકાવવા માટે ખાસ પ્રકારના કાયદા ઘડવામાં આવ્યા છે. ત્યારે પ્રોસિક્યૂશનના કેસમાં નાની નાની ત્રુટિઓને કોઇ મહત્ત્વ આપી શકાય નહિની સરકારી વકીલે રજૂઆત કરી હતી. જે ધ્યાને રાખી અદાલતે આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...