રાજકોટના હોડથલી ગામે છ વર્ષ પહેલાં સામાન્ય બાબતે કાર ચડાવી હત્યા કરવાના કેસમાં આરોપી આશિષ મનસુખ તોગડિયાને અદાલતે તક્સીરવાન ઠેરવી 5 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. હોડાથલી ગામે રહેતા રાજેન્દ્ર ઉર્ફે કાળુ નામનો યુવાન તા.15-11-2016ના રોજ ગામમાં આવેલી પાનની દુકાને ઊભો હતો. આ સમયે આરોપી આશિષ તેની પાસે આવી ઘરે જવાનું કહી ગાળો ભાંડી હતી. જેથી રાજેન્દ્રએ ગાળો દેવાની ના પાડતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને રાજેન્દ્રને માથામાં પથ્થરનો ઘા ઝીંકી દેતા લોહીલુહાણ થઈ ગયો હતો.
ઇજા થતાં આશિષ ત્યાંથી નીકળી ઘરે જતો હતો ત્યારે પિતા પાંચાભાઈ પૂંજાભાઈ જાદવ મળી જતા બનાવની વાત કરી હતી. જેથી પાંચાભાઈ આશિષને ઠપકો દેવા જતા હતા. આ સમયે આરોપી આશિષ સ્કોર્પિયો લઈને નીકળતા તેને ટપાર્યો હતો. જેનો ખાર રાખી આરોપી આશિષે તેની કાર પાંચાભાઈ પર ચડાવી દઈ કચડી નાખ્યા હતા. જેમાં પાંચાભાઈનું મોત નીપજ્યું હતું. બનાવની મૃતક પાંચાભાઈના પુત્ર રાજેન્દ્રની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી આશિષની ધરપકડ કરી હતી.
દરમિયાન કેસ ચાલતા સરકારપક્ષે રોકાયેલા એપીપી બિનલબેન રવેશિયાએ ફરિયાદી રાજેન્દ્ર, બનાવના સાહેદોને તપસ્યા હતા. ફરિયાદીએ બનાવને નજરે નિહાળ્યાનું નિવેદન આપ્યું હતું. આરોપી અને કારને ઓળખી બતાવી હતી. બનાવની એફએસએલ દ્વારા કરાયેલી તપાસના રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. સરકારી વકીલની રજૂઆતને ધ્યાને રાખી સેશન્સ જજ બી. ડી.પટેલે આરોપી આશિષને સાપરાધ મનુષ્યવધની આઇપીસી 304 (2) હેઠળ દોષિત ઠરાવી સજા અને દંડ ફટકાર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.