સાયલાની હદમાંથી હરિયાણાથી રવાના થયેલુ દારૂ ભરેલુ કન્ટેનર ડ્રાઇવરનું અપહરણ કરી રાજકોટની હદમાં તાણી લાવવા મામલે રાજકોટ ક્રાઇમ બ્રાંચના ચાર પોલીસમેન સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સ્ટેટ મોનીટરીંગ સેલે તપાસ આદરી હતી. આ દરમિયાન પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાયેલા ચારેય પોલીસમેનના રિમાન્ડ આજે પુરા થતાં તેમને કોર્ટ હવાલે કરાતાં જેલમાં મોકલી દેવાયા છે.
ડ્રાઇવરની પુછતાછમાં સત્ય સામે આવ્યું
દારૂ ભરેલા કન્ટેનરમાં રાજકોટ પોલીસે ઝડપી લીધેલો 394 પેટી દારૂ મળી આવ્યો હતો. આ પહેલા જ 106 પેટી દારૂનું કટીંગ સાયલાની હદમાં આયા ગામ પાસે બે પીકઅપ વેનમાં થઇ ગયું હતું. આ બાબત કન્ટેનરના ડ્રાઇવરની પુછતાછમાં બહાર આવી છે. એટલે કે 500 પેટી દારૂ મુખ્ય બુટલેગરે મોકલ્યો હતો. રાજકોટ પોલીસની ગાડીઓ અને ટુવ્હીલર આ જગ્યાએ પહોંચ્યા પહેલા પીકઅપ વાન નીકળી ગઇ હતી. એટલે કે અન્ય કોઇ બૂટલેગરોએ આ 106 પેટીનું કટીંગ સંભાળી લીધુ હતું. જે મુદ્દે પણ તપાસ ચાલી રહી છે.
FSLની મદદથી પૂછપરછ થશે
ઉપરાંત ચારેય પોલીસમેનોએ ઝડપી લીધેલા દારૂને પોતાની હદમાં લઇ જઇ કામગીરી બતાવવાની હતી કે માલ તેમની સાથે રહેલા બૂટલેગર સૌરભ ચંદારાણા મારફત બારોબાર સગેવગે કરવાનો હતો? આ મામલે FSLની મદદથી પોલીસમેનોની આવતા દિવસોમાં પુછપરછ કરવામાં આવશે.
દારૂ પકડવાની વાત કરી ન હતી
તો આ સાથે PSI બી. જે. કડછાની સંડોવણી બાબતે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દેવા ધરજીયાએ 'દારૂની બાતમી છે' એટલી જ વાત તેમને કરી હતી. બીજા જીલ્લાની હદમાં જઇને દારૂ પકડવાની વાત કરી ન હતી. જો કે જાણ કરી ત્યારે પીએસઆઇ કડછાએ પોતાના નીચેના સ્ટાફને હદની બાબતે ચોખવટથી પુછવુ જોઇતું હતું. જે તેમણે પુછ્યુ નહોતું. આ કારણોસર જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.