ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બેરોકટોક શેર થઇ રહ્યા છે. ત્યારે આવી ગતિવિધિ પર તંત્ર બાજનજર રાખી રહી છે. થોડા સમય પહેલા જ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરતા હોવાની સાયબર ટીપલાઇન આપી હતી. તે અંતર્ગત રાજકોટ સાયબર પોલીસે અગાઉ બે ગુના પણ નોંધ્યા હતા.
દરમિયાન આ કિસ્સામાં વધુ એક રાજકોટના શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે ગોકુળનગર-1માં રહેતા મૂળ બનાસકાંઠાના નોનજી વશરામ પ્રજાપતિ નામના શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે નંબરના આધારે નોનજીને પકડી પાડ્યા બાદ પૂછપરછમાં તેના મોબાઇલમાંથી પ્રતિબંધિત વીડિયો શેર કર્યાનું જણાવ્યું હતું. પોલીસે નોનજી પ્રજાપતિનો મોબાઇલ કબજે કરી કાર્યવાહી કરી છે.
સાયબર ક્રાઇમના અન્ય એક બનાવની ફરિયાદ અમદાવાદ રહેતા સંજય વિજયનાથ મિશ્રા નામના યુવાને નોંધાવી છે. શેડોફેક્સ કંપનીમાં રાઇડર મેનેજમેન્ટનું કામ સંભાળતા સંજયભાઇની ફરિયાદ મુજબ, 2018માં પિત્ઝા રેસ્ટોરન્ટમાં રાઇડર ચેતન કનક પરમાર અને આશિષ વિજય સિંઘ નામના બે યુવાનની રાઇડર તરીકે નિમણૂક આપી હતી. બાદમાં પિત્ઝા રેસ્ટોરન્ટ બંધ થઇ જતા બંને યુવાનને આગળ લાવવા ચેતનને યુવાનોની ભરતી કરવાનું કામ, જ્યારે આશિષને એલોકેટર તરીકે નોકરીએ રાખ્યા હતા.
આ સમયે ચેતને અમારી કંપનીના પોર્ટલનું લોગીન આઇડી પાસવર્ડ યેનકેન પ્રકારે મેળવી લીધા હતા. બાદમાં પોતે 2020માં પરત અમદાવાદ જતો રહ્યો હતો. થોડા સમય પહેલા ચેતને નોકરીમાંથી રાજીનામું આપ્યું હોવાની પોતાને જાણ થઇ હતી. તે દરમિયાન અમારી કંપનીની ઓફિેસે દિલ્હીના રાઇડર મોહિત ગુપ્તાએ પોતાને રાઇડર રીફર કરેલાનું બોનસ મળ્યું ન હોવાની ફરિયાદ કરી હતી.
જેની તપાસ કરતા રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલી ક્રિષ્ના પ્લેસમેન્ટ કંપની દ્વારા અમારી કંપનીના લોગીન આઇડી પાસવર્ડ દ્વારા ડેટાનો એક્સેસ કરી બારોબાર કમિશન મેળવી લીધાનું જાણવા મળ્યું હતું. રાજકોટ સાયબર પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.