કોર્ટ હુકમ:દુષ્કર્મ આચરી તરુણીને ગર્ભવતી બનાવનાર આરોપીઓ રિમાન્ડમાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એફએસએલને સાથે રાખી પોલીસે બંનેના ઘરે તપાસ શરૂ કરી

શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી બાર વર્ષની તરુણી પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બિહારના વરુણ શ્રીપ્રદીપ ઠાકુર અને અમનસિંઘ રાઘવેન્દ્ર રાજપૂતને બુધવારે કોર્ટમાં રજૂ કરી પોલીસે બંને આરોપીને બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તરુણીને સારવાર માટે લઇ જવાતા તેને સાત મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થતા દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

જે બનાવ અંગે તરુણીની માતાએ બિહારના વરુણ અને અમનસિંઘ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે આજી ડેમ પોલીસે પોક્સો તેમજ એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી. બનાવની તપાસ ચલાવી રહેલા એસસીએસટી સેલના ઇન્ચાર્જ અધિકારી જી.એસ.બારિયા સહિતના સ્ટાફે આજે વધુ તપાસ અને પુરાવાઓ એકઠા કરવા માટે રિમાન્ડની માગણી સાથે સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા.

જ્યાં સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ સમાજ વિરોધી ગુનો આચરનાર બંને આરોપીએ બાર વર્ષની બાળકી સાથે દોઢ વર્ષથી દુષ્કર્મ આચર્યું છે. ત્યારે બંનેની પૂછપરછમાં અનેક વિગતો બહાર લાવવી જરૂરી હોય રિમાન્ડ મંજૂર કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી સેશન્સ જજ કે.ડી.દવેએ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યા છે.

એસીપી બારિયાના જણાવ્યા મુજબ, બંને આરોપીઓને તેમજ એફએસએલને સાથે રાખી તેમના ઘરે તપાસ કરી હતી. તપાસ દરમિયાન વરુણના ઘરમાંથી ચાદર સહિતની વસ્તુઓ કબજે કરી છે. તદઉપરાંત ભોગ બનનારના અને બંને આરોપીના ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...