ક્રાઇમ:મિત્રના ઘરે રહીને તસ્કરી કરતો બાળ આરોપી ઝડપાયો

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સહિત ચાર ચોરીની કબૂલાત આપી

શહેરમાં છેલ્લા ચાર દિવસમાં ચાર સ્થળે થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો હતો, બાળ આરોપીને પકડી લઇ પોલીસે તેની પાસેથી રૂ.63 હજાર રોકડા કબજે કર્યા હતા. નાની ઉંમરથી જ ચોરીના રવાડે ચડેલા બાળ આરોપીને પરિવારજનોએ કાઢી મૂકતા તે તેના મિત્રના ઘરે રહીને ચોરી કરતો હતો.

કોઠારિયા રોડ પરની કેદારનાથ સોસાયટીના ગેટ નજીક આવેલી કલરની દુકાન, મસાલા માર્કેટ તથા મેડિકલ સ્ટોરમાં ચોરીની ઘટના બની હતી, આ ઉપરાંત ગોંડલ રોડ પર કારખાનામાંથી પણ રોકડની ચોરી થઇ હતી, ચાર દિવસમાં ચાર સ્થળે ચોરી થતાં ભક્તિનગર પોલીસ હરકતમાં આવી હતી. ચારેય સ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા એક શખ્સ ચારેય સ્થળે દેખાયો હતો. કેમેરામાં દેખાતો શખ્સ હુડકો ચોકડી નજીક પાનના ગલ્લે આવ્યાની માહિતી મળતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા સહિતની ટીમ દોડી ગઇ હતી અને આરોપીને સંકજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી રોકડા રૂ.63 હજાર મળી આવ્યા હતા.

આગવીઢબની પૂછપરછમાં બાળ આરોપીએ ચારેય ચોરીની કબૂલાત આપી હતી. ચાર ચોરીમાં ઝડપાયેલો બાળ આરોપી અગાઉ પણ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે, નાની ઉંમરથી જ ચોરીના રવાડે ચડેલા બાળ આરોપીને તેના પરિવારજનોએ કાઢી મૂકતા તે પોતાના મિત્રના ઘરે રહીને ચોરી કરે છે, આ બાળ આરોપીએ ઉપરોક્ત ચાર ઉપરાંત અન્ય 15થી વધુ સ્થળે રૂ.1000-1200નો હાથફેરો કર્યો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...