તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની બેદરકારી:રાજકોટમાં લઘુશંકાનું બહાનુ કાઢી આરોપી પોલીસને પછાડી ફરાર, બીજો નજર ચૂકવી નાસી ગયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હત્યાની કોશિશના કેસમાં હાજર નહીં રહેતા બે આરોપી સામે બિન જામીનલાયક વોરંટ હતું
  • રાજકોટની અદાલતમાં શુક્રવારે બનેલો બનાવ, પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

પોલીસ જાપ્તામાંથી ગુનેગારો નાસી જવાના બનાવો વચ્ચે શુક્રવારે બપોરે કોર્ટ કસ્ટડીમાં રહેલા હત્યાની કોશિશના ગુનાના બે આરોપી પૈકી એક લઘુશંકા જવાનું બહાનું બતાવી પોલીસને પછાડી દઇ ભાગી ગયો છે. જયારે બીજો આરોપી કોર્ટની પરવાનગી વગર નાસી જતા બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

પ્રદ્યુમ્નનગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ આપેલી માહિતી મુજબ, પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઇ ડી.એ.બામટા આજે છઠ્ઠા એડિ.સેશન્સ જજ પ્રશાંત જૈનની કોર્ટમાં ફરજમાં હતા. આ સમયે વીંછિયા ગામે 2018માં હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં સંડોવાયેલા સાયલાના નાગડકા ગામના દિલીપ જીલુ જેબલિયા અને પ્રદીપ બહાદુર ખાચર નામના આરોપી કોર્ટમાં મુદતે હાજર રહેતા ન હોય તેમના વિરૂધ્ધ અદાલતે બિન જામીનલાયક વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે વોરંટના આધારે બંને આરોપી આજે સવારે કોર્ટમાં હાજર થયા હતા. ત્યારે મુદતમાં હાજર ન રહેનાર બંને આરોપી સામે અદાલતે લાલ આંખ કરી બંનેને જજે કોર્ટ કસ્ટડીમાં લેવાનો મૌખિક હુકમ કરી ફરજ પર રહેલા પોલીસ હવાલે કર્યા હતા. દરમિયાન સાડા બાર વાગ્યાના અરસામાં કોર્ટ કસ્ટડીમાં રહેલા આરોપી દિલીપ જેબલિયાએ પોતાને લઘુશંકા લાગી હોવાની એએસઆઇને વાત કરી હતી.

જેથી એએસઆઇ આરોપી દિલીપને લઇ કોર્ટ સંકુલના પાછળના ભાગે આવેલા બાથરૂમે લઇ ગયા હતા. ત્યારે અચાનક આરોપી દિલીપ જેબલિયાએ એએસઆઇ બામટાને ધક્કો મારી પછાડી દઇ ત્યાંથી નાસી ગયો હતો. એએસઆઇ સહિત કોર્ટમાં હાજર અન્ય પોલીસ કર્મચારીઓએ તેને પકડવાની કોશિશ કરી હતી. પરંતુ આરોપી દિલીપ જેબલિયા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

નાસી ગયેલા આરોપીની ભાળ નહીં મળતા એએસઆઇ પરત કોર્ટમાં આવતા કસ્ટડીમાં રહેલો બીજો આરોપી પ્રદીપ ખાચર પણ જોવા મળ્યો ન હતો. બીજા આરોપી અંગે તપાસ કર્યા બાદ કોર્ટમાં પૂછપરછ કરતા તે કોઇને કહ્યા વગર કોર્ટમાંથી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું હતુ. કોર્ટ કસ્ટડીમાં રહેલા બે આરોપી નાસી ગયાના બનાવ બાદ દિવસભર શોધખોળ કરવા છતા કોઇ સગડ નહિ મળતા અંતે શુક્રવારે સાંજે પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને આરોપી સામે આઇપીસી 224, 225ની કલમ હેઠળ ફરિયાદ નોંધી પીએસઆઇ બી.વી.બોરીસાગરે તપાસ હાથ ધરી છે.

ગુલાબનગરમાં ખૂની હુમલો કરી લૂંટ ચલાવનાર ટોળકી પકડાઇ
કોઠારિયા સોલવન્ટ પાસે ગુલાબનગરમાં બે દિવસ પહેલા તરુણ અને તેના હમવતનીઓ પર ખૂની હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવનાર આ જ વિસ્તારના રાહુલ મનુ પરેશા, હરેશ મનુ પરેશા, પ્રફુલ ઉર્ફે પફલો મગન મકવાણા, રજની વનરાજ કેસરિયા અને મહેશ મનુ પરેશાને આજીડેમ પોલીસે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે ટોળકી પાસેથી લૂંટેલો મોબાઇલ તેમજ તરુણ પર જેનાથી હુમલો કર્યો હતો તે છરી કબજે કરી છે. પકડાયેલા પાંચેય ગુનેગારો સામે અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પકડાયેલા તમામ આરોપીઓ આ વિસ્તારમાં અવારનવાર આતંક મચાવી ભયનો માહોલ ફેલાવી એકલદોકલ વ્યક્તિઓને લૂંટી પણ લેતા હોવાની વિગતો મળી હોય વધુ ગુનાના ભેદ ઉકેલવા પાંચેય રીઢા ગુનેગારોની પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. ઉપરોક્ત ટોળકીએ ગત તા.11ની રાતે ગુલાબનગર સાઇબાબા સર્કલ પાસે કચરો ફેકવા નીકળેલા તરૂણ પ્રદીપ અંતુભાઇ યાદવ, યશવંત યાદવ સહિતના પરપ્રાંતીય શ્રમિકોને આંતરી માર માર્યો હતો. બાદમાં તરૂણને પેટમાં જીવલેણ ઘા ઝીંકી દેતા હોસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...