તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો:સ્ટોનકિલર ગાળો આપતો હોવાથી તેને પતાવી દીધાની નેપાળથી ઝડપાયેલા આરોપીની કબૂલાત

રાજકોટ10 મહિનો પહેલા
આરોપી ફરહાન એનુલહક દરજી - Divya Bhaskar
આરોપી ફરહાન એનુલહક દરજી
  • પોલીસ નેપાળમાં તપાસ કરશે તેવા ભયથી ઉત્તરપ્રદેશમાં નેપાળ બોર્ડરે સંબંધીના ઘરે રોકાયો ને ઝડપાયો

મવડી પ્લોટના નવરંગપરામાં સ્ટોનકિલર મહેશ છનુરાને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં નેપાળ બોર્ડરથી ઝડપાયેલા ફરમાનને રાજકોટ પોલીસ લઇ આવી હતી. સ્ટોનકિલર ગાળો આપતો હોવાથી તેના બે મિત્રો સાથે મળી મહેશની હત્યા કર્યાનો કારસો રચ્યાની અને પોતે જ મોટો પથ્થર માર્યાની આરોપીએ કબૂલાત આપી હતી.

અગાઉ બબ્બે વ્યક્તિને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળિયો મગન છનુરા (ઉ.વ.49)ને ગત તા.7ની રાત્રીના નવરંગપરામાં અગાશી પર પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. સ્ટોનકિલરની હત્યામાં પોલીસે અજિત ગગન બાબર તથા વિજય ઉર્ફે દુખે રમેશ ઢોલીને ઝડપી લીધા હતા, પરંતુ હત્યા બાદ ફરમાન નેપાળી નાસી ગયો હતો. રાજકોટ પોલીસની માહિતી પરથી યુપી પોલીસે યુપી નેપાળ બોર્ડરથી ફરમાન નેપાળીને સકંજામાં લઇ લીધો હતો અને રવિવારે સાંજે માલવિયાનગર પોલીસ આરોપીને રાજકોટ લઇ આવી હતી.

ફરમાન નેપાળીએ પોલીસને કેફિયત આપી હતી કે, પોતે પાંચેક વર્ષથી રાજકોટમાં રહી મજૂરી કરતો હતો, સ્ટોનકિલર મહેશ છનુરા અવાર નવાર તેને ગાળો આપી અપમાનિત કરતો હતો, પરંતુ પોતે કંઇ કરી શકતો નહોતો, પોતાની મજબૂરીનો મહેશ ગેરલાભ ઉઠાવતો હતો અને સતત અપમાન કરતો હતો. તેના બે મિત્ર અજિત બાબર અને વિજય દુખેએ સ્ટોનકિલર મહેશની હત્યા કરવાની વાત કરતા પોતે પણ તેમાં સામેલ થયો હતો.

તા.7ના સાંજે ત્રણેય મિત્રો મળ્યા હતા અને હત્યા કરી તે અગાશી પર ગયા હતા, થોડીવાર બેઠા બાદ ફરમાન અને વિજય દુખે ત્યાંથી નીચે ઉતરી ગયા હતા. રાત્રે સ્ટોનકિલર મહેશ અને અજિત સૂઇ ગયા ત્યારે ફરીથી ફરમાન અને વિજય અગાશી પર ગયા હતા. વિજયે ઇંટનો ઘા મહેશને માર્યો હતો ત્યારબાદ ફરમાને બાજુમાં પડેલો મોટો પથ્થર ઊંચક્યો હતો અને તે સ્ટોનકિલર મહેશને માથામાં ફટકારી દીધો હતો. હત્યા કર્યા બાદ બે દિવસ પોતે જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં જ કામ કરતો રહ્યો હતો, જેથી પોતાના પર કોઇને શંકા જાય નહીં, બાદમાં નેપાળ જવાનું કારખાનેદારને કહી કારખાનેથી નીકળ્યો હતો અને ભક્તિનગર વિસ્તારમાંથી રિક્ષામાં બેસી બસ સ્ટેશને પહોંચ્યો હતો, ત્યાંથી જુદા જુદા વાહનો કરી યુપી-નેપાળ બોર્ડરે પહોંચ્યો હતો. નેપાળમાં પોતાના ઘરે પોલીસ પહોંચશે તેવી ભીતિ લાગતા ઉત્તરપ્રદેશમાં નેપાળ બોર્ડરે સંબંધીના ઘરે રોકાયો હતો, બે દિવસ ત્યાં રોકાતા પોલીસ પહોંચી ગઇ હતી અને પોતે ઝડપાઇ ગયો હતો. પોલીસે આરોપીની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...