સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.8 અને 9 જૂનના રોજ કરાર આધારિત અધ્યાપકોના ઈન્ટરવ્યૂ થવાના છે ત્યારે 25 ભવનમાં કુલ 70 આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા માટે કુલ 485 ઉમેદવારોએ અરજી કરી છે જેમાંથી રિસર્ચ સ્કોરના આધારે માત્ર 205 ઉમેદવારોને જ ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા છે. યુનિવર્સિટીએ ઈન્ટરવ્યૂ માટેના સ્થળ અને સમય સહિતની શિડ્યૂલ પણ જાહેર કરી દીધું છે જેમાં સિન્ડિકેટ હોલ, પરીક્ષા નિયામકની ઓફિસ, સીસીટીવી કંટ્રોલ રૂમ અને પીએચડી વાઈવા રૂમમાં ઈન્ટરવ્યૂ લેવાશે.
યુનિવર્સિટીમાં 8મીએ કેમિસ્ટ્રી, મેથ્સ, નેનો સાયન્સ, સ્ટેટેસ્ટિક, કમ્પ્યુટર સાયન્સ, બાયો સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મસી, સોશિયોલોજી, ઇકોનોમિકસ, ડૉ. આંબેડકર ચેર, ફિલોસોફી, હિન્દી, સાયકોલોજી, ઈતિહાસ અને સંસ્કૃત ભવનના ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવામાં આવશે. જયારે 9 જુને પત્રકારત્વ, અંગ્રેજી, ગુજરાતી, હોમસાયન્સ, ફિઝિક્સ, કોમર્સ, હ્યુમનરાઈટ્સ, લો અને એજ્યુકેશન ભવનના ઉમેદવારોના ઈન્ટરવ્યૂ થશે. યુનિવર્સિટીએ કુલ આવેલી 485 અરજીમાંથી રીસર્ચ સ્કોરના આધારે 205 જેટલા ઉમદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે.
અનામત, 40 હજાર પગાર મુદ્દે યુનિ.એ પોતાના નિયમ બનાવ્યા!
કરાર આધારિત પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કેટલાક મુદ્દામાં પોતાના નિયમો બનાવી દીધા હોવાનું બહાર આવ્યું છે. અગાઉ યૂથ કોંગ્રેસ દ્વારા પણ આ ભરતીમાં અનામત પ્રક્રિયા નિયમ મુજબ નહીં કરવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. બીજી બાજુ કરાર આધારિત પ્રોફેસરને રૂ. 40 હજાર પગાર આપવાનું કે ઈન્ટરવ્યુંમાં સિન્ડીકેટ સભ્યને બેસાડવાનું યુજીસીમાં ક્યાય જણાવાયું નથી. આ ઉપરાંત ઉમેદવારોએ નિર્ધારિત સમય દરમિયાન અરજી કરી હતી પરંતુ સર્વરની સમસ્યાને લીધે આ અરજી પાંચ દિવસ સુધી પોસ્ટ ઓફિસમાં પડી રહી અને તારીખ પૂર્ણ થઇ ગયાના બીજે દિવસે યુનિવર્સિટીમાં જમા થઇ પરંતુ યુનિવર્સિટીએ ન સ્વિકારતા 30 ઉમેદવારો ભરતીથી વંચિત રહ્યા હતા.
40 હજાર પગાર કરતા યુનિવર્સિટી પર વર્ષે 1.26 કરોડનો બોજ
યુનિવર્સિટીના કરાર આધારિત પ્રોફેસરને અગાઉ પ્રતિમાસ રૂ. 25 હજાર પગાર અપાતો હતો પરંતુ આ વખતની ભરતીમાં પગારધોરણ 40 હજાર કરી દેવાતા જે 70 પ્રોફેસરોની ભરતી કરવાની છે તેમાં હવે યુનિવર્સિટી ઉપર દર મહિને 10.50 લાખ અને વર્ષે 1.26 કરોડનો વધારાનો આર્થિક બોજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.