રાજકોટમાં કેજરીવાલનો દાવો:‘IBના રિપોર્ટ મુજબ આજે ચૂંટણી થાય તો AAPની સરકાર બને, ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી, બન્ને પાર્ટી એક થઈ ગઈ’

રાજકોટ2 મહિનો પહેલા

આમ આદમી પાર્ટીની સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલથી રાજકોટના પ્રવાસે છે. આજે બન્નેએ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં કેજરીવાલે ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, IBના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમીની પાર્ટી બને. ભાજપે મત ડિવાઇડ કરવા કોંગ્રેસને જવાબદારી સોંપી છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને એક થઈ ગઈ છે અને અંદરોઅંદર બેઠકો શરૂ કરી દીધી છે.

ભાજપ-કોંગ્રેસ બન્ને એક જ ભાષામાં આપને ગાળો દે છે
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, IBના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી પાતળી સરસાઇથી જીત હાંસલ કરી રહી છે. IBનો રિપોર્ટ આવતા જ ભાજપ-કોંગ્રેસ એક થઈ સિક્રેટ મિટિંગ કરી રહી છે. ભાજપ-કોંગ્રેસ બન્ને આમ આદમી પાર્ટીને એક જ ભાષામાં ગાળો આપે છે. ભાજપ ધૂંઆપૂંઆ થઈ ગયું છે. ભાજપનો પ્રયાસ કોંગ્રેસને મજબૂત કરવાનો છે. મતો ડિવાઇડ કરવા કોંગ્રેસને ભાજપે જવાબદારી સોંપી દીધી છે. હવે ગુજરાતના લોકો બદલાવ ઈચ્છે છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પાર્ટી પડી રહી છે.

રિક્ષાવાળાને લઇ કેજરીવાલનો જવાબ
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કેજરીવાલ રિક્ષાવાળા ઘરે જમવા ગયા હતા. બાદમાં તાજેતરમાં જ અમદાવાદમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં આ રિક્ષાવાળો ભાજપના ખેસ અને ટોપી સાથે જોવા મળ્યો હતો. જેને લઇને કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસના લોકો મને જમવા બોલાવે છે પણ તેમના નેતાને બોલાવતા નથી. ગુજરાતમાં આપની સરકાર બનશે તો પ્રતિ ગાય 40 રૂપિયા આપીશ. દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવીશું. ગુજરાતમાં ગાય સાથે દુર્વ્યવહાર થાય છે. ગુજરાતના અનેક લોકોએ અત્યારસુધીમાં મને અનેક ફરિયાદો કરી છે.

ભગવંત માને પણ ભાજપ પર પ્રહાર કર્યા.
ભગવંત માને પણ ભાજપ પર પ્રહાર કર્યા.

પંજાબમાં અમે એક ગાય રક્ષા કમિશન બનાવ્યું છે
જ્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, પંજાબમાં અમે એક ગાય રક્ષા કમિશન બનાવ્યું છે. પહેલાં તો ગૌશાળા પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો અને ગાયના પૈસા ભ્રષ્ટાચાર માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. પરંતુ અમારી સરકાર આવતા દરેક ગૌશાળાને કહી દીધું છે કે, તમને જે જોઈએ તે અમે આપીશું. ગૌશાળામાં ઘાસચારો બહુ જ આવી રહ્યો છે. લોકો પોતાની આવકનો 10મો ભાગ ગૌશાળામાં વાપરતા થઈ ગયા છે. ગુજરાતમાં રોડ-રસ્તાની હાલત બહુ જ ખરાબ છે. પંજાબમાં અમારી સરકાર નહોતી ત્યારે મને ખબર પડી કે અહીં તો પોલીસ પણ કોન્ટ્રાક્ટ પર છે, પણ હવે અમે તેમને કાયમી કરીશું. કારણ કે પહેલાં આઉટ સોર્સવાળા વચ્ચે રૂપિયા ખાઇ જતા હતા. ગુજરાતમાં હાલ જે માહોલ છે તેવો જ માહોલ ચૂંટણી પહેલાં પંજાબમાં હતો.