પુરુષોમાં ડિપ્રેશન વધુ:મનોવિજ્ઞાન ભવનના મતે રાજકોટના બુકીની આત્મહત્યા પાછળ સ્વદોષ જવાબદાર, સાધન સંપન્ન હોવા છતાં નિષ્ફળ જવાથી આ બદી ઉદભવે છે

રાજકોટ22 દિવસ પહેલા
રાજકોટના બુકી સાજીદ જિંદાણીએ એસિડ પી આપઘાત કર્યો હતો.

10 સપ્ટેમ્બરનો દિવસ એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ તરીકે જાગૃતતા ફેલાવવાનો દિવસ છે. વિશ્વભરમાં કોરોના પછી આત્મહત્યાના કેસો રોજ સામે આવે છે. આત્મહત્યા એ શું છે? કઈ રીતે લોકો કરે છે તે વિશે દરેક લોકો પાસે માહિતી છે. તરુણોથી વૃદ્ધો સુધીમાં આત્મહત્યા જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને ભવન અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ દ્વારા મહિલાઓ, પુરુષો, વૃદ્ધો અને કિશોરો તથા યુવાનોમાં આત્મહત્યાના કારણો અને શરીરના હોર્મોન્સમાં ફેરફાર થવાથી વ્યક્તિ કઈ રીતે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે અને આ નિષેધક પ્રવુત્તિને કઈ રીતે અટકાવી શકાય તે વિશે માહિતી આપી. રાજકોટના બુકી સાજીદ જિંદાણીની આત્મહત્યા પાછળ સ્વદોષ જવાબદાર હોવાનું જણાવ્યું છે. સાધન સંપન્ન હોવા છતાં નિષ્ફળ જવાથી સ્વદોષ ઉદભવે છે જે આત્મહત્યા તરફ દોરી જાય છે. ઊંચો સ્વ આત્મહત્યાનું કારણ બની શકે છે.

આત્મહત્યા માટે જવાબદાર હોર્મોનલ કારણો
મગજમાં રાસાયણિક અસંતુલન હોય ત્યારે ડિપ્રેશન થાય છે. રોજિંદા જીવનના તણાવ અને હોર્મોનલ ફેરફારો સાથે લોકોમાં ડિપ્રેશનનું જોખમ વધે છે. ડિપ્રેશન કેટલાક અઠવાડિયા સુધી ચાલે છે. ધીરે ધીરે આ ડિપ્રેશન આત્મહત્યા સુધી પહોંચે છે. આપણા મગજમાં આવેલ હાયપોથેલેમસ કોર્ટીકોટ્રોપીન રીલીસિંગ હોર્મોન રહેલ હોય છે જે તણાવ સાથે જોડાયેલ છે. આ હોર્મોનના કારણે વ્યક્તિમાં આત્મહત્યા વૃત્તિમાં વધારો જોવા મળે છે. આ હોર્મોન ભૂખને દબાવે છે, ચિંતામાં વધારો કરે છે, સ્મૃતિ અને ધ્યાન પર નિષેધક અસર કરે છે, તણાવમાં વધારો કરે છે. આમ આત્મહત્યા માટે હોર્મોન પણ જવાબદાર છે.

મહિલાઓ દ્વારા થતા આત્મહત્યાના કારણો
આજે 21 સદીમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. પરંતુ હજુ સ્ત્રીઓ વિશેની માનસિકતામાં પરિવર્તનોની ઉણપ જોવા મળે છે. મહિલાઓ ગમે તેટલું ભણેલી હોય પણ તેના ઘણા નિર્ણયોનો આધાર સમાજ અને કુટુંબ પર રહેલ છે. મહિલાઓની આત્મહત્યાના કારણો જોઈએ તો પારિવારિક સમસ્યાઓ, લગ્ન સંબંધિત સમસ્યાઓ, એકલતા, ઘરેલું હિંસા, જીવનસાથીથી અલગ થવું, જ્યારે મહિલાને લાગે છે કે તેની માનસિક સમસ્યાનો બીજો કોઈ ઉકેલ નથી, ત્યારે તેનામાં ડિપ્રેશન વિકસે છે. તેની માનસિક સ્થિતિ બગડે છે અને તેનું નકારાત્મક વલણ તેને આત્મહત્યા કરવા પ્રેરે છે, પતિનો ઇચ્છિત પ્રેમ ન મળવો, સાસરિયાઓના ટોણા, પતિ દ્વારા પત્નીની અવગણના, પતિનું વ્યસન, ઘર અને સમાજ તેની પાસેથી તમામ જવાબદારીઓ નિભાવવાની માંગ, બળાત્કારના કિસ્સાઓ, મહિલાઓના સંબંધોમાં સુમેળના અભાવ, નબળા સોશિયલ નેટવર્કિંગ, માતા-પિતાના પ્રેમનો અભાવનો સમાવેશ થાય છે.

મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણ.
મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશ જોગસણ.

પુરુષોની આત્મહત્યાના કારણો
વર્ષોથી આપણે સાંભળીએ છીએ કે પુરુષોએ રડવું ન જોઈએ. સ્ટ્રોંગ પુરુષ બનાવવાની ઘેલછામાં પુરુષોના આવેગો દબાય જાય છે અને પુરુષ માનસિક રોગનો ભોગ બને છે. ઘણા કુટુંબોમાં પણ પુરુષ ઘણું સહન કરતો હોય છે અને જ્યારે સહન ન થાય ત્યારે તેઓ આ પગલું ભરે છે. પુરુષોમાં આત્મહત્યાના કારણો જોઈએ તો લાગણીઓની વહેંચણીના અભાવે પુરુષોને માનસિક હતાશા, સ્કિઝોફ્રેનિયા, ડિમેન્શિયા, હાયપર એક્ટિવિટી જેવા રોગો થાય છે અને જેને કારણે તે આત્મહત્યા કરવા તરફ જાય છે. સમગ્ર વિશ્વમાં પિતૃસત્તાક સમાજો છોકરાઓ અથવા પુરુષોને 'મજબૂત' બનાવવા માટે મહેનત કરે છે. નાનપણથી જ છોકરાઓને કહેવામાં આવે છે કે તેઓએ છોકરીઓની જેમ રડવાનું નથી, તેઓએ તેમના સંઘર્ષ, આવેગ અને દુ:ખને રડીને વ્યક્ત કરવાના નથી.

સ્ત્રીઓની તુલનામાં પુરુષો ઓછા રડે છે
મહિલાઓ અને પુરૂષોને એક ખાસ પ્રકારે ઢાળવાના સામાજિક માળખાને કારણે આજે પુરુષો ડિપ્રેશનમાં છે. સ્ત્રીઓની તુલનામાં પુરુષો ઓછા રડે છે જે પણ આત્મહત્યાનું કારણ બને છે. મનોવિજ્ઞાન ભવનમાં પણ એક પ્રયોગ દરમિયાન વિદ્યાર્થીઓની તુલનાએ વિદ્યાર્થિનીઓએ રડીને વધુ પ્રતિક્રિયા આપી હતી. પુરુષોની રડવાની ટેવ સામાજિક-આર્થિક ઉછેરની પ્રથાઓ પર આધારિત છે. બેરોજગારીને કારણે પણ પુરુષો વધુ આત્મહત્યા કરતા જોવા મળે છે. ગરીબી અને વંચિતતા વધુ હોય તો તે ડિપ્રેશન પર નોંધપાત્ર અસર કરે છે અને તેને કારણે પણ આત્મહત્યા થતી જોવા મળે છે. કુટુંબમાં સ્ત્રી જ્યારે પુરુષને ન સમજી શકતી હોય અને ત્યારે ઝઘડા થાય અને એ ઝઘડાને કારણે આવેશમાં આવીને પુરુષો આત્મહત્યા કરવા તરફ જાય છે. ખોટા અહમને કારણે પણ પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ જોવા મળે છે.

કિશોરાવસ્થામાં આત્મહત્યાના કારણો
આત્મહત્યા સામાન્ય રીતે ખોટા આવેગથી અથવા માનસિક સ્થિતિને કારણે થાય છે. જો બાળકનો સ્વભાવ મૂળભૂત રીતે આવેગજન્ય હોય તો તેને ખાસ કાળજીની જરૂર હોય છે. કિશોરોમાં આત્મહત્યાના કારણો જોઈએ તો પ્રેમ અને વાસના વચ્ચે તફાવત ન સમજાતા આવેગમાં આવીને પગલું ભરવું, ડિપ્રેશન અથવા અન્ય માનસિક વિકૃતિ, મૂડ ડિસઓર્ડર, આત્મહત્યાના વર્તનનો કૌટુંબિક ઇતિહાસ, કિશોર, કુટુંબના સભ્ય અથવા મિત્ર દ્વારા આત્મહત્યા કરવી, નજીકના મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે સંઘર્ષ, તેમનાથી અલગ થવું અથવા દગો મળવો, શારીરિક અથવા જાતીય શોષણ, કૌટુંબિક હિંસા, નશીલી દવાઓનું વ્યસન, આલ્કોહોલ, ખોટો ભય, આઘાત, શારીરિક અથવા તબીબી સમસ્યાઓ જેમ કે કિશોરીઓનું અકાળે ગર્ભવતી થવું, ધાકધમકી, આર્થિક આફત, મોબાઈલનું વળગણ, અભ્યાસમાં રસ ન પડવો, હોર્મોનલ પરિવર્તન સાથે તાલમેલ ન થવો, માતા-પિતાની ઉચ્ચ અપેક્ષાનો સમાવેશ થાય છે.​​​​​​​

વૃદ્ધોમાં આત્મહત્યાના કારણો
​​​​​​​
વૃદ્ધાવસ્થા જીવનની ઢળતી સંધ્યા છે જેમાં ઘણા માનસિક અને શારીરિક ફેરફારો થાય છે અને તેની અસરો પણ થતી હોય છે. વૃદ્ધોમાં આત્મહત્યાના કારણો જોઈએ તો આધારિતતા, એકલાપણું, જીવનસાથીનું મૃત્યુ થવું, બાળકો ત્યજીને જતા રહે, બિમારીઓ, વધુ પડતી દવાઓ, લાચારી અનુભવવી, પરિવારના સભ્યો દ્વારા અવગણના થવી, સમાયોજન ન થઇ શકવું વગેરેનો સમાવેશ થાય છે.

દક્ષિણ ભારતના લોકોમાં શા માટે આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળે છે?
ત્યાંના લોકોમાં સ્વભાવગત સૂચનવંશતાનું પ્રમાણ સૌથી વધુ હોવાથી ત્યાં આત્મહત્યા અને માસ હિસ્ટીરિયાનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ત્યાંના લોકોમાં વધુ આત્મહત્યાના કારણો જોઈએ તો કૌટુંબિક ઝઘડા, ઘરેલું હિંસા, શૈક્ષણિક નિષ્ફળતાઓ અને અયોગ્ય રોમેન્ટિક સબંધો, લોકોની આકાંક્ષાઓ અને વાસ્તવિક ક્ષમતાઓ વચ્ચેનું વિશાળ અંતર, પરંપરાગત સામાજિક સહાયક પદ્ધતિઓનું વિઘટન, દારૂના દુરૂપયોગ, નાણાકીય અસ્થિરતા અને કૌટુંબિક નિષ્ક્રિયતા તરફ વલણનો ઉદભવનો સમાવેશ થાય છે.

મનોવિજ્ઞાન ભવનની ફાઈલ તસવીર.
મનોવિજ્ઞાન ભવનની ફાઈલ તસવીર.

આત્મહત્યા કરનાર વ્યક્તિના લક્ષણોને ઓળખો અને તેને મદદ કરો
આત્મહત્યાની વાત કરે, ઉંઘ અને ભૂખ ઓછા થઈ જાય, તેના વર્તનમાં ફેરફાર થઈ જાય, લોકોને મળવાનું ટાળે, મિત્રોથી દૂર ભાગે, કામકાજ અને ઓફિસમાં ધ્યાન ન રહે, વ્યસન શરુ થઈ જાય, પોતાની વસીયતનું વિલ બનાવે, આશાહીન બનવું, આંતરિક સંઘર્ષ, હતાશ બને, ખિન્નતા, કુસમાયોજન, ઉદાસીનતા વગેરે લક્ષણો જોવા મળે છે.​​​​​​​

આત્મહત્યાના વિચારોવાળી વ્યક્તિને શું મદદ કરી શકાય?
​​​​​​​ખુલ્લા મને વ્યક્તિ સાથે ચર્ચા કરો, તેમની લાગણીઓને સમજો, તેમના વિચારોનો વિરોધ ન કરો, તેમની વાતમાં રસ લો, એક્યુપ્રેશરની મદદ લઈ શકીએ, શરીરના ચક્રોને સંતુલિત કરી માનસિક શાંત બની શકાય, યોગાસનની મદદ લઈ શકાય, કલર થેરાપીની પણ ઘણી ઉપોયોગીતા ઘણી છે, સારું મ્યુઝિક પણ મદદ કરી શકે, તમારા હેપીનેસ હોર્મોન્સ ડોપામાઈન, ઓક્સીટોસીન, સેરોટોનીન અને એન્ડોરફીન (DOSE)ને વ્યવસ્થિત રાખે તેવી પ્રવૃતિઓ કરો. દર 40,000 વ્યક્તિએ એક મનોવૈજ્ઞાનિક હોવો જોઈએ. રાજકોટની વસ્તી અંદાજિત 20 લાખ ગણીએ તો આશરે 500 મનોવૈજ્ઞાનિક રાજકોટમાં હોવા જોઈએ. આવી રીતે રાજ્ય અને દેશમાં જનસંખ્યાને આધારે મનોવૈજ્ઞાનિક હોવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...