રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 4 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા. મૃતક નિશાંત દાવડા, ડો, સિમરન ગિલાની, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં આગળ બેઠેલા આદર્શ અને નિશાંતના ટુકડે ટુકડા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જ્યારે ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે.
JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કારચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી ગઇ હતી અને રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો બૂકડો બોલી ગયો હતો, જેમાં ST બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કુલ 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે કે 2 વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા.આ અકસ્માતમાં ડૉ. સિમરન ગિલાનીનું સારવાર દરમિયાન મોત થયુ છે. જયારે ડૉ. કૃપાલી ગજજર હાલ સારવાર હેઠળ છે.અકસ્માત કેટલો ગંભીર છે એ દૃશ્યો પરથી જ જોઇ શકાય તેમ છે, કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં કાર બસની આગળના ભાગમાં અંદર ઘૂસી ગઇ હતી, જેને બહાર કાઢવા માટે JCBની મદદ લેવી પડી હતી અને JCBની મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે
આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ ત્યાં ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં સીમરન, નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતા. જયારે ઘાયલ કૃપાલી ભાવનગરની છે.
ST બસમાં બેઠેલા બે મુસાફરો ઘાયલ
આ ઉપરાંત મૃતક ફોરમ હર્ષદભાઇ ધ્રાંગધરિયા (ઉં.વ.22) કોઠારિયા રોડ નંદા હોલ પાસે ભારતી નગરમાં રહેતી હતી. તે હોમિયોપેથી કોલેજમાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે એક ભાઇથી મોટી હતી. તેના પિતા મિસ્ત્રીકામ કરે છે. આશાસ્પદ દીકરીના મોતથી ગુર્જર સુથાર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો, જ્યારે ST બસમાં બેઠેલા કાલાવડ ખત્રીવાડના યુસુફઅલી તૈયબઅલી સાદીકોટ તથા જીવુબેન બેચરભાઇને ઇજા થતાં તેમને પણ રાજકોટ દાખલ કરાયા હતા.
ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં
રાજકોટથી રજૂણાની ST બસ કાલાવડ તરફ જતી આ સામે પૂરપાટ ઝડપે GJ-03-KC-8475 નંબરની સફેદ કલરની હોન્ડા અમેઝ કાર બસ સાથે અથડાઇ હતી અને કારની ઝડપ વધુ હોવાને કારણે તે બસની નીચેના ભાગમાં ઘૂસી ગઇ હતી, જેને કારણે કારમાં સવાર કારચાલક સહિત 3 લોકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે અકસ્માત પગલે હાઇવે પર એક તરફ રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં અને પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નિશાંતે સાથી વિદ્યાર્થીની કાર ચલાવવા લીધી અને...
ગોઝારા અકસ્માતમાં ચાર ચાર વિદ્યાર્થીનાં મોતની ઘટનાની લોધિકા પોલીસે તપાસ શરૂ કરી હતી, પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ખીરસરા આરોગ્ય કેન્દ્રમાં તાલીમ માટે જવાનું હોય કાર આદર્શભારથી લઇને આવ્યો હતો અને તેના ચાર મિત્રોને કારમાં બેસાડ્યા હતા, ખીરસરાથી પરત ફરતી વખતે મિત્ર આદર્શભારથીની કાર નિશાંત દાવડાએ ચલાવવા માટે લીધી હતી, કાર ખીરસરાથી થોડે દૂર જ પહોંચી હતી ત્યારે નિશાંતે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માતમાં ચાર ચાર યુવા જિંદગીનો અકાળે અંત આવી ગયો હતો.
રક્ષાબંધન પહેલા એકની એક બહેને વિદાય લીધી
કોઠારિયા રોડ પર નંદાહોલ પાસેના ભારતીનગરમાં રહેતી ફોરમ ધ્રાંગધરિયા હોમિયોપેથીમાં અભ્યાસ કરતી હતી અને તે એક ભાઇની એકની એક બહેન હતી, તેના પિતા સુથારીકામ કરે છે, ફોરમના આકસ્મિક મૃત્યુની જાણ થતાં દાવડા પરિવારના સભ્યો હોસ્પિટલે દોડી ગયા હતા, પુત્રીના નિધનથી પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા, રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે એકની એક બહેન ફોરમે હંમેશા માટે વિદાય લેતા તેના ભાઇએ કરેલા આક્રંદથી હાજર લોકોની અશ્રુ સરી પડ્યા હતા.
ક્રેનથી કાર કાઢી, જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા
રાજકોટ તરફ આવી રહેલી વિદ્યાર્થીઓની કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ ઉછળી હતી અને રોંગ સાઇડમાં ઘૂસી હતી, સામેથી કાલાવડ તરફ જઇ રહેલી એસ.ટી.બસ સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી, અકસ્માતમાં કારનો કડૂસલો બોલી ગયો હતો અને કાર બસની નીચે ઘૂસી ગઇ હતી, કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી, અને સ્થળ પર જ મૃત્યુ પામેલા કારચાલક નિશાંત અને આદર્શભારથીનો મૃતદેહ કારમાંથી બહાર કાઢવામાં પણ ત્યાંજ હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
પુત્રને ડોક્ટર બનાવવાનું પિતાનું સ્વપ્ન સાકાર ન થયું
કારચાલક નિશાંત દાવડા એક બહેનનો એકનો એક ભાઇ હતો, તેના પિતા નીતિનભાઇ દાવડા મેડિકલ સ્ટોર ચલાવે છે. મેડિકલ સ્ટોર સંચાલક નીતિનભાઇ પોતાના એકના એક પુત્રને ડોક્ટર બનાવવા ઇચ્છતાં હતા, નિશાંત પણ અભ્યાસમાં તેજસ્વી હતો, નિશાંત હોમિયોપેથીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એક વર્ષમાં પુત્ર ડોક્ટર બની જશે, તેવા અનેક સ્વપ્ન દાવડા પરિવારના સભ્યો સેવી રહ્યા હતા, પરંતુ કાળની એક થપાટથી પરિવારજનો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી.
આ રોડ પર પાંચ વર્ષમાં સૌથી મોટો અકસ્માત
ખીરસરા તેના આસપાસના ગ્રામજનો અને લોધિકા પોલીસે જણાવ્યું હતું કે, રાજકોટ કાલાવડ હાઇવે બંને બાજુ રસ્તા પહોળા છે અને સામાન્ય સંજોગોમાં ટ્રાફિક સમસ્યા પણ થતી નથી, જીવલેણ અકસ્માતની ક્યારેક ઘટના બને છે તેમાં પણ એક કે બે વ્યક્તિનાં મોત નીપજ્યાના બનાવ બન્યા હતા પરંતુ એક સાથે ચાર ચાર જિંદગીનો અંત આવ્યો હોય તેવો છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રથમ અકસ્માત છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.