રાજકોટ ક્રાઇમ ન્યુઝ:શેમળા ગામના પાટીયા પાસે રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર શેમળા ગામના પાટીયા પાસે પેટ્રોલ પમ્પ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતદેહને નેશનલ હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બાઇકમાં ઘવાયેલા બે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં બાઈક સવાર દેવશીભાઈ ચાવડા અને જયસુખભાઈ પરમારને ઇજા થતાં સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે રીક્ષા ચાલક ફારૂકભાઈ સેતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ગોંડલ રહેતા રીક્ષા ચાલક રાજકોટમાં ડુંગળી વહેંચી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે શેમળાના પાટીયા પાસેનાં પેટ્રોલ પંપે રીક્ષામાં ડીઝલ પુરાવી હાઈવે ઉપર ચડી રહ્યાં હતાં અને બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતુ.

મ્યુનિ.કમિશનરના PA રસિકભાઈ રૈયાણી
મ્યુનિ.કમિશનરના PA રસિકભાઈ રૈયાણી

મ્યુનિ.કમિશનરના PAનું હ્ર્દય રોગના હુમલાથી મોત
રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર અમિત અરોરાના PA રસિકભાઇ રૈયાણીનું હ્ર્દયરોગના હુમલાના કારણે મોત નિપજ્યું છે. PA રસિકભાઈ રૈયાણી (ઉ.વ.57) આજે સવારે ફરજ પર હાજર હતા દરમિયાન ચાલુ નોકરીએ ઓફિસમાં હ્ર્દય રોગનો હુમલો આવતા તેનું મોત નીપજ્યું હતું. ઓફિસ ખાતેથી તુરંત સારવાર અર્થે રાજકોટના કાલાવડ રોડ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડી હતી અને ચાલુ સારવાર દરમિયાન જ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

હડમતીયા ગામની સીમમાં કુવામાંથી પરપ્રાંતીય શ્રમિકની લાશ મળી
રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામથી આગળ હડમતીયા ગામની સીમમાં અવાવરું જગ્યા પર કુવામાંથી પરપ્રાંતીય મજુરની લાશ મળી આવી છે. બનાવની જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જે બાદ કોઠારીયા ફાયર વિભાગના સ્ટાફ સ્થળ પર પહોંચી પુરુષની લાશ કુવામાંથી બહાર કાઢી હતી. જે લાશ મૂળ રાજસ્થાનના અને ખેત મજૂરી કરતા શ્રવણ દોલાભાઇ કઠાનની હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાહન ચોરીમાં વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી
રાજકોટના ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાસે એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચને બાતમી મળતા એસ.ટી. વર્કશોપ પાસેથી શાહબાઝ ઉર્ફે સબલો સતારભાઇ જોબન (ઉ.વ.20) ને ચોરાઇ બાઇક સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પુછપરછમાં આરોપીએ પંદર દિવસ પહેલા જયા પાર્વતીના જાગરણની રાત્રે 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક પાસેથી બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી. આરોપી હેન્ડલ લોક વગરના બાઇક ઉઠાવતો હતો તે અગાઉ વાહન ચોરી તથા SOG માં 8 મોટરકારની ચોરી અને જુગાર સહિતના 10 ગુનામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આરોપી શાહબાઝ ઉર્ફે સબલોની ધરપકડ
આરોપી શાહબાઝ ઉર્ફે સબલોની ધરપકડ

શૌચાલયમાં ઝેરી દવા પી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી કલ્‍પસુત્ર એપાર્ટમેન્‍ટમાં રહેતાં મુળ ઓરીસ્‍સાના સુભાષ ભોલાભાઇ રાણા (ઉ.વ.35) નામના યુવાને રેસકોર્ષના જાહેર શૌચાલયમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક સુભાષના પત્‍નિ હીનાબેને જણાવ્‍યું હતું કે પતિ સુભાષે સેન્‍ટીંગ કામ શાપર મેટોડા લોધીકામાં રાખ્‍યું હતું. આ કામ પુરું થઇ ગયું હોવા છતાં કોન્‍ટ્રાક્‍ટર તુષાર પટેલ દ્વારા નવેક લાખની રકમ ચુકવવામાં આવતી નહોતી. આ કારણે આજે પોતે અને પતિ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા જવા ઘરેથી નીકળ્‍યા હતાં. રસ્‍તામાં રેસકોર્ષમાંથી પસાર થતાં હોઇ પતિ શૌચાલય જોઇને હમણા આવું કહીને અંદર ગયેલ અને દવા પી લીધી હતી. સુભાષને સંતાનમાં એક પુત્ર છે. પોલીસે પત્નીના આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...