રાજકોટમાં ગઈકાલે મહિલા અંડરબ્રિજ ચોકમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. જ્યાં મહિલાના વાહન સાથે સિટી બસ અથડાતાં મામલો બિચક્યો હતો અને એક યુવકે બસ પર ચઢીને ડ્રાઈવરને ફટકાર્યો હતો. આ અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત થતાં તેને 108 મારફત હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સિટી બસના ચાલક તથા એક્સેસના ચાલક મહિલા વચ્ચે પણ ઝઘડો થતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
આમા સિટી બસના ચાલકનો જ વાંક છે: એક્સેસ-ચાલક
આ અંગે એક્સેસ-ચાલક મહિલા દિનાબેન મજીઠિયાએ જણાવ્યું હતું કે હું ચોક પાસેથી પસાર થઇ રહી હતી. એ વખતે પૂરપાટ વેગે પાછળથી સિટી બસ આવી હતી. એને કારણે હું એક તરફ ફંગોળાઈ હતી અને મારી પાછળ આવનાર વાહન-ચાલક બીજી તરફ ફંગોળાયા હતા, જેમાં એક દીકરી હતી, એ પણ ઈજાગ્રસ્ત થઈ છે. અને હાલ તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આમાં સિટી બસના ચાલકનો જ વાંક છે.
હું દારૂ પીને બસ ચલાવતો નહોતો: ડ્રાઈવર
જ્યારે સિટી બસના ડ્રાઈવરે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે હું મારી ગતિ પ્રમાણે જ બસ ચલાવતો હતો. તે બહેનના એક્સેસ સાથે મારી બસ થોડી ટકરાઈ ગઈ અને તેઓ ફંગોળાઈને પડી ગયાં હતાં. હું દારૂ પીને બસ ચલાવતો નહોતો. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેથી પોલીસે ત્યાં આવીને ટ્રાફિક ક્લિયર કરાવીને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.