ધરપકડ:હાજરી પૂરવાના બદલામાં લાંચ લેનાર સેનેટરી ઇન્સપેક્ટર જબ્બે, કોઠારિયા રોડ પરના હુડકોની વોર્ડ ઓફિસમાં એસીબી ત્રાટકી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી મૃગેશ વસાવા - Divya Bhaskar
આરોપી મૃગેશ વસાવા
  • સફાઈ કામદાર પાસેથી 7 હજાર માગી, રૂ.6 હજાર લીધા

રાજકોટના વોર્ડ નં.16ક માં કાયમી સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં કર્મચારીની હાજરી પૂરવા તેમજ તેને ઓન ડ્યૂટી બતાવવા માટે અે વોર્ડના સેનેટરી ઇન્સપેક્ટર મૂળ ભરૂચના અને હાલમાં રાજકોટના બજરંગવાડીમાં રહેતા મૃગેશ આબાદસિંહ વસાવા (ઉ.વ.45)એ સફાઇ કામદાર પાસે રૂ.7 હજારની લાંચ માગી હતી. સફાઇ કામદારે રૂ.7 હજારની લાંચ મોટી રકમ હોવાનું કહી રકઝક કરતાં સેનેટરી ઇન્સપેક્ટરે રૂ.6 હજાર લાંચપેટે ચૂકવવાનું કહ્યું હતું અને શુક્રવારે લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સફાઇ કામદાર લાંચ આપવા ઇચ્છતા નહીં હોવાથી તેણે રાજકોટ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશી અને પીઆઇ મયૂરસિંહ એમ. સરવૈયા સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું.

એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો
નક્કી થયા મુજબ શુક્રવારે સવારે સફાઇ કામદાર વોર્ડ નં.16કની ઓફિસે ગયો હતો અને નક્કી થયા મુજબ સેનેટરી ઇન્સપેક્ટર મૃગેશ વસાવાએ સફાઇ કામદાર પાસેથી રૂપિયા 6 હજાર લાંચ પેટે લીધા હતા. લાંચની રકમ સેનેટરી ઇન્સપેક્ટર વસાવાએ હાથમાં સ્વીકારી તે સાથે જ અગાઉથી છુપાયેલી એસીબીની ટીમ દોડી ગઇ હતી અને વસાવાને રંગેહાથ ઝડપી લીધો હતો. ભરૂચના વતની વસાવાનો પરિવાર અમદાવાદ રહેતો હોય એસીબીની ટીમે અમદાવાદ અને રાજકોટ ખાતેના તેના નિવાસસ્થાને તપાસ કરી હતી. લાંચ રૂશ્વત વિરોધી શાખાના પીઆઇ સરવૈયાએ જણાવ્યું હતું કે, સેનેટરી ઇન્સપેક્ટરના બેંક ખાતા અને લોકર સીલ કરવામાં આવ્યા છે અને તેની અાગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...