કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ:રાજકોટ સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં એસી બંધ, દર્દીઓ પરેશાન, કોંગ્રેસ નવું એસી આપવા પહોંચી, પણ સ્વીકાર્યું નહીં

રાજકોટએક મહિનો પહેલા
ઈમરજન્સી વોર્ડમાં દર્દીઓ પરેશાન થતા હોય કોંગ્રેસ નવા એસી સાથે હોસ્પિટલ પહોંચી હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં અનેક વખત એસી બંધ થયાની ઘટના બની છે. આજે પણ ઇમરજન્સી વોર્ડમાં 5થી 6 એસી છે પણ તેમાં મોટાભાગના એસી બંધ છે. દર્દીઓ ઘરેથી પંખા લઇ આવે છે તો અમુક દર્દીઓએ ભાડે પંખા લીધા છે. પરંતુ સિવિલ હોસ્પિટલના સત્તાધિશોના પેટનું પાણી હલતું નથી. બીજી તરફ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટની ચેમ્બરમાં ત્રણ-ત્રણ એસી છે. ત્રણેય ચાલુ કન્ડિશનમાં છે. આ પહેલા પણ સાંસદ મોહન કુંડારિયાને રજૂઆત કરી હતી. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ નવું એસી આપવા સિવિલ હોસ્પિટલ પહોંચી આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. હજુ જરૂર પડશે તો વધુ એસી આપવાનું કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું. પરંતુ સિવિલ તંત્ર દ્વારા આ એસી સ્વીકારવામાં આવ્યા નથી.

ઈમરજન્સી વોર્ડમાં એક જ એસી ચાલુ
કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે, ઈમરજન્સી વોર્ડમાં એક એસી ચાલુ છે, દર્દીઓની માથે તેમના સગાઓ છાપા, પસ્તીથી પવન નાખતા હતા. આવી પરિસ્થિતિમાં અમે એક નવું એસી લઇને આવ્યા છીએ અને રિપેરિંગવાળા પણ સાથે છે. પાંચે પાંચ એસી રિપેરિંગ કરી નવું એસી પણ ફીટ કરવાના છીએ. ખાસ કરીને એ કહેવા માગીશ કે, ડીનની ઓફિસમાં ત્રણ-ત્રણ એસી હોય અને દર્દીઓ માટે એક પણ એસી ન હોય ત્યારે તે પોતાની સવલતો જ જોવે છે. દર્દીઓ ઓક્સિજન કે વેન્ટિલેટર પર હોય તો તેને ખરેખર એસીની જરૂર હોય છે. નાના માણસો પાસે ખાનગી હોસ્પિટલમાં જવાના પૈસા ન હોય ત્યારે સીવિલ હોસ્પિટલમાં આવે છે.

દર્દીઓ ગરમીમાંથી રાહત મેળવવા ઘરેથી પંખા લઇને આવે છે.
દર્દીઓ ગરમીમાંથી રાહત મેળવવા ઘરેથી પંખા લઇને આવે છે.

દર્દીના સગાઓએ હૈયાવરાળ કાઢી
એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે, કાલે સાંજના એડમિટ થયા છીએ, એસીની ખબર નથી ક્યારના બંધ છે. બીજા એક દર્દીના સગાએ જણાવ્યું હતું કે, મારા પપ્પાને દાખલ કર્યા છે. પરંતુ એસી બંધ હોવાથી બહુ જ ગરમી થાય છે. એટલે હું ઘરેથી જ પંખો લઇ આવ્યો છું. બે દિવસથી મારા પપ્પા દાખલ છે.

ઈમરજન્સી વોર્ડમાં 6 જેટલા એસી છે પણ બંધ હાલતમાં.
ઈમરજન્સી વોર્ડમાં 6 જેટલા એસી છે પણ બંધ હાલતમાં.
અન્ય સમાચારો પણ છે...