રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેક્સિનેશનને લઇ જુદી જુદી અફવાઓ અને અંધશ્રદ્ધાને કારણે વેક્સિન પ્રમાણમાં ઓછું થઇ રહ્યું છે. ત્યારે વેક્સિનેશન વધારવા માટે રાજકોટમાં આજે ખાસ કિન્નરો અને ટ્રાન્સજેન્ડર્સ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી 2 મહિના પહેલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડર્સએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેથી આજે તેમને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આજે 100 જેટલા નવા કિન્નરો અને ટ્રાન્સજેન્ડર્સને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે વેક્સિનેશન કેમ્પનું આયોજન સમાજ સુરક્ષા વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું છે.
બન્ને ડોઝ મળી રહેતા અમારો આત્મવિશ્વાસ વધ્યો છે
આ વેક્સિનેશન કેમ્પમાં રસી લીધા બાદ ટ્રાન્સજેન્ડર ગોપી કે જેઓ લક્ષ્ય સંસ્થા સાથે જોડાયેલા છે તેઓએ જણાવ્યું હતું કે, અમે લોકો અત્યાર સુધી કોરોના સામે સુરક્ષિત રહેવા રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા હતાં. પરંતુ કોરોનાના ડરથી મોટા ભાગે અમે કોઈ પ્રવૃત્તિ કરી શકતા નહીં. હવે અમને રસીના બન્ને ડોઝ મળી રહેતા અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. તેમણે તમામ ટ્રાન્સજેન્ડર્સ તેમજ અન્ય લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારની ગેર માન્યતાઓમાંથી બહાર નિકળી રસી પર વિશ્વાસ રાખી સૌએ રસીકરણ કરાવવું જ જોઈએ.
આરોગ્ય વિભાગ સાથે મળી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આ વેક્સીન કેમ્પ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુ વ્યાસે જણાવ્યું હતું કે, વેક્સિનેશનના કેમ્પને અમે લક્ષ્ય સંસ્થાના સહયોગથી સફળ બનાવી શક્યા છીએ. ટ્રાન્સજેન્ડર્સને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો આ એક નમ્ર પ્રયાસ છે. તેઓને કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સાથે મળી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અગાઉ 95 જેટલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતા. જ્યારે આ કિન્નરો અને ટ્રાન્સજેન્ડરોને બીજો ડોઝ આપવા માટે અને નવા 100 જેટલા ટ્રાન્સજેન્ડરનો વેક્સિન આપવા માટે વહીવટી તંત્રની મદદથી મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો
100 જેટલા ટ્રાન્સજેન્ડર અને કિન્નરો વેક્સિન લેવા આવ્યા
રાજકોટ શહેર અને જિલ્લામાં મળીને કુલ 200 જેટલા કિન્નરો અને ટ્રાન્સજેન્ડરો નોંધાયા છે. જ્યારે અગાઉ પણ તેમને મનપા તંત્રની મદદથી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેને જોઈને વધુ પ્રમાણમાં કિન્નરો અને ટ્રાન્સજન્ડરો વેકસીન લેવા માટે પ્રેરાયા હતા. જેમને આજે સામાજિક સંસ્થાની મદદથી વહીવટી તંત્ર દ્વારા કોરોના વેકસીન આપવા માટે મેગા કૅમ્પ યોજાયો હતી.જેમાં નવા 100 જેટલા ટ્રાન્સજેન્ડર અને કિન્નરો વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા હતા. જેને રજિસ્ટ્રેશન બાદ વેક્સિન આપવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.