તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યસભાના સાંસદની સ્થિતિ ગંભીર:અભય ભારદ્વાજ રાજ્યના સૌથી ગંભીર દર્દીની શ્રેણીમાં, હવે લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ શક્ય નથી: નિષ્ણાત

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
16 દિવસ પહેલાં અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો (ફાઇલ તસવીર). - Divya Bhaskar
16 દિવસ પહેલાં અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો (ફાઇલ તસવીર).
  • દાખલ થયા ત્યારથી લઈ અત્યાર સુધીમાં શું થયું અને હવે શું સારવાર થઈ રહી છે તેની તલસ્પર્શી વિગતો ત્રણ નિષ્ણાતોએ ભાસ્કરને આપી.
  • પોઝિટિવ થયાના ત્રીજા જ દિવસથી આઈસીયુમાં દાખલ કરાયા

રાજ્યસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવતા 31મીએ સિવિલમાં દાખલ કરાયા હતા. બે દિવસ બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા અને ત્યારબાદ તબિયત ક્રમશ: બગડવા લાગી હતી. મેડિસિન વિભાગના સિનિયર તબીબોએ સારવાર આપી હતી ત્યારબાદ અમદાવાદના વાઇરોલોજિસ્ટ ડો. અતુલ પટેલ, ડો.તુષાર પટેલ, ડો.અનિલ શુક્લ તેમજ રાજકોટની ખાનગી હોસ્પિટલના તબીબો ડો.જયેશ ડોબરિયા, ડો.જાડેજા, ડો ગળચરે પણ મુલાકાત લીધી હતી. એઈમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાએ પણ વીડિયો કોન્ફરન્સ વડે સૂચનો કર્યા હતા. નિષ્ણાંતે કહ્યું હતું કે, અભયભાઈ રાજ્યના ગંભીર દર્દીની શ્રેણીમાં ગણી શકાય. દાખલ થયાથી અત્યાર સુધીમા તેમની તબિયતમાં શું પરિવર્તન આવ્યા તે વિશે સારવારમાં જોડાયેલા કેટલાક તબીબોએ ભાસ્કરને જણાવ્યું છે.

દાખલ થયાના ત્રીજા દિવસે જ આઇસીયુમાં શિફ્ટ
સાંસદ ભારદ્વાજ દાખલ થયાના બે દિવસ બાદ તેમના શરીરનું ઓક્સિજન લેવલ 94 થયું હતું. અને શ્વાસ લેવામાં તકલીફ વધી જતા તેમને ત્રીજા જ દિવસે આઇસીયુમાં શિફ્ટ કરી દેવાયા હતા.

ડાયાબિટીસને કારણે ઈમ્યુનિટી ઓછી હતી
જે લોકોને ડાયાબિટીસ હોય છે તેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ થોડી કમજોર હોય છે એટલે વાઇરસ સામે લડવાની તૈયારીમાં સમય વીતે છે. આ સમય દરમિયાન વાઇરસ છેક ફેફસાં સુધી પહોંચી ગયો હતો જેથી ન્યુમોનિયા એટલે કે ફેફસાંમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી જેથી ઓક્સિજનનું પ્રમાણ સતત ઘટવા લાગ્યું હતું.

પ્રથમ 10 દી’માં ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર અપાઈ
સાંસદને પ્રથમ 10 દિવસથી સારવાર દરમિયાન જ ટોસિલિઝુમેબ અને રેમડેસિવિરની સારવાર અપાઇ ગઇ હતી. સૌથી કારગર ગણાતા આ બંને ઇન્જેક્શન આપ્યા બાદ પણ તેમની તબિયતમાં કોઇ ફરક પડી રહ્યો ન હતો અને ઓક્સિજન લેવલ પણ ઘટતું જતું હતુ઼ં.

કોરોનામાં લોહી ઘાટું થતા ફેફસાંમાં લોહી જામવા લાગ્યું
કોરોના દરમિયાન લોહી ઘાટું થઈ જતું હોય છે. ફેફસાંમાં પહેલાથી જ ગઠ્ઠા હોવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ન વધતા ફેફસાંમાં જ લોહી ભેગું થયું અને જામવા લાગ્યું હતું. આખરે લોહીના ગઠ્ઠા ઓગાળવાની દવા કે જે ઈન્જેક્શન હાર્ટએટેક સમયે આપીને બ્લોકેજ હટાવવા પ્રયાસ કરાય છે તે અપાયું હતું. આ કારણે એક દિવસ તબિયત સુધરી હતી પણ ફરી લોહીના ગઠ્ઠા જામવા લાગ્યા હતા.

વાઇરસ ફેફસાં સુધી પહોંચતા ન્યુમોનિયા થયું અને તેથી ગઠ્ઠા જામી ગયા
કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશ્યા બાદ રોગપ્રતિકારક શક્તિ સક્રિય થઈ ગઈ છે અને તેનાથી સતત વાઇરસ સામે લડી રહ્યું છે અને ફેફસાંમાં આ કારણે ન્યુમોનીયા થઇ જતા ફેફસાંના નાના ભાગ કે જેમાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડની લેવડ દેવડ થાય છે ત્યાં રોગપ્રતિકારક શક્તિ વધુ લાગતા પ્રવાહી ભરાયું છે. ફેફસાં પહેલા જેવા સ્થિતિ સ્થાપક ન રહેતા પ્રેશર સહન ન કરી શક્યા અને કાણું પડી ગયું.

વેન્ટિલેટર હોવા છતાં ઓક્સિજન લેવલ 65 જ રહ્યું
વેન્ટિલેટર પર હોવા છતાં ઓક્સિજન 65થી 70 જ રહેતું હતું જેથી એક્મો એટલે કે ફેફસાંને બાયપાસ કરીને કૃત્રિમ ફેફસાં વડે ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઈડ ખેંચવા માટે તબીબોએ સલાહ આપી હતી.

એક્મો પર ઓક્સિજન લેવલ 98 થયું, 4 સપ્તાહ રહેવું પડશે
એક્મો એટલે એક્સ્ટ્રાકોર્પોરીયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન. આ મશીન શરીરનું લોહી ફેફસાંમાંથી બાયપાસ કરી બહાર લાવે છે અને શુદ્ધ કરી ફરી શરીરમાં દાખલ કરે છે. કૃત્રિમ ફેફસાં કામ કરી રહ્યા છે અને શરીરના ફેફસાં બંધ છે. 4 સપ્તાહ સુધી આ રીતે જ એક્મો પર ફરજિયાત રાખવા પડશે અને ત્યારબાદ ફેફસાંનું ફરી નિદાન થશે અને રિકવરી આવી હશે તો જ એક્મો ચાલુ રખાશે.

હવે આખરી માર્ગ લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ તે શક્ય નથી
જો 4 સપ્તાહમાં ફેફસાં રિકવર ન થાય તો સ્પષ્ટ થશે કે ફેફસાં હવે કામ કરી શકે તેમ નથી આવી સ્થિતિમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે. પણ, સાંસદની ઉંમર ખૂબ વધારે હોવાથી તેમજ ડાયાબિટીસ, બીપી અને આઈએચડી હોવાથી ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી.

અત્યાર સુધી રાજ્યભરના 20 દર્દી પર એક્મો કરવાની જરૂર પડી
સુરતથી આવેલા ફેફસાંના નિષ્ણાત ડો. સમીર ગામી જણાવે છે કે, હાલની સ્થિતિએ સાંસદની હાલત ખૂબ જ નાજુક છે. સિવિલમાં તમામ દર્દીઓ કરતા સૌથી સિરીયસ છે. કોરોનામાં ફેફસાંમાં જ સૌથી વધારે નુકસાન થાય છે અને આ સ્તર સુધી નુકસાન થયેલા રાજ્યભરના 20 દર્દી પર એક્મો કરવાની જરૂર પડી હતી. સાંસદ સહિત 4ની સારવાર હજુ ચાલી રહી છે, 4 રિકવર થઈ ગયા છે જ્યારે 12 બચી શક્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...