કોરોનાની મહામારી વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 4માં આવેલ લક્ષ્મણ પાર્ક વિસ્તારમાં ગંદકી મામલે સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લક્ષ્મણ પાર્ક વિસ્તારમાં જાતે સફાઈ કરીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. AAPના કાર્યકરોએ ગંદકી મામલે મનપા કમિશનરને પણ જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી આપના કાર્યકરોએ હાથમાં ઝાડું લઈને સફાઈ કામગીરી કરી વિરોધ કર્યો હતો.
ઓનલાઈન અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ
આમ આદમી પાર્ટીના પ્રમુખ રાહુલ ભુવાએ જણાવ્યું હતું કે અમે ગત 23 તારીખે વોર્ડ નંબર 4માં આવેલા લક્ષ્મણ પાર્કમાં ઓક્સિમીટર અભિયાન માટે ગયા હતા. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારે કચરા અને ગંદકીનો મોટો પ્રશ્ન છે. હાલમાં રોગચાળો પણ વધી રહ્યો છે. જેથી તમે મદદ કરો. અમે આ અંગે રાજકોટના કમિશનર સહિતના અધિકારીઓને વોટ્સએપ દ્વારા ફોટા પાડીને અરજી પહોંચાડી હતી. આ સાથે જ વેબસાઈટ પર પણ અમે ફરિયાદ કરી હતી. તેમ છતાં અમારી અરજીને ધ્યાને લેવામાં આવી ન હતી.
રહેણાંક વિસ્તારમાં સફાઈ કામગીરી ન થતાં સ્થાનિકોમાં રોષ
તંત્ર દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે સવારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાથમાં ઝાડું લઈને સફાઈ કામગીરી હાથ ધરી હતી અને અનોખો વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી તરફ તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં સફાઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.