રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તા.19મીએ મળનાર છે જેમાં પહેલો પ્રશ્ન કોમલબેન ભારાઈ પૂછશે. તેઓ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ભળ્યા છે, ત્યારબાદ પહેલા જ બોર્ડમાં તેમનો પ્રશ્ન પહેલી વખત આવતા ઘણા રાજકીય સમીકરણો રચાયા છે.
બોર્ડમાં હોબાળો થશે તેવી સ્થિતિ સર્જાઈ હતી પણ આમ આદમી પાર્ટીએ હોબાળો કરવાને બદલે ચર્ચા પર ભાર મૂકવાની સૂચના આપી છે. અત્યાર સુધી બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ શહેરના પ્રશ્નોને બદલે રાષ્ટ્રીય સ્તરની ઘટનાઓ અને આંતરરાષ્ટ્રીય યુદ્ધ સુધી વાતો કરીને પ્રશ્નકાળ બરબાદ કરી નાખે છે જોકે હવે લોકપ્રશ્નો જ લેવા તેવો માહોલ બનાવવા પ્રયાસ થયો છે.
વશરામ સાગઠિયા બોર્ડમાં આક્રમક રજૂઆતો અને શબ્દો માટે જાણીતા છે પણ સામે શાસકો પણ કોંગ્રેસનો ઈતિહાસ અને નીતિઓને લઈને બમણો પ્રહાર કરી દે છે. ‘આપ’માંથી હવે એ વલણ અપનાવવાની ના પાડી છે અને ફક્ત પ્રજાના પ્રશ્નો પર જ ચર્ચા કરવા કહ્યું છે તેથી સાગઠિયા અને ભારાઈ તે મુજબ માત્ર લોકપ્રશ્નો પર બોલશે. બીજી તરફ કોંગ્રેસ તરફથી વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને મકબૂલ દાઉદાણી પણ હોબાળો કરવાના કોઈ મૂડમાં નથી તેને બદલે પ્રશ્ન કોઇપણ હોય તેમાં પેટા પ્રશ્ન પૂછવા માટે અભ્યાસ કરી રહ્યા છે.
આ રીતે બંને પક્ષ હોબાળાને બદલે પ્રશ્નકાળમાં માત્ર મુદ્દાસર વાત થાય તે માટે તૈયારી કરી રહ્યા છે. પહેલો પ્રશ્ન રાજકોટ શહેરમાં ખાનગી સ્કૂલ અને કોલેજને લગતો છે જેમાં શાળાઓ અને કોલેજનું લિસ્ટ માગી તેમાં પાર્કિંગ સહિતની વિગત માગી છે.
‘આપ’નું પહેલું લક્ષ્ય, પ્રશ્નકાળ લંબાવો!
આમ આદમી પાર્ટી મનપાના બોર્ડમાં પરિવર્તન લાવવા માટે પ્રયાસ કરી રહી છે અને પહેલું લક્ષ્ય પ્રશ્નકાળને બનાવાયું છે. હાલ મનપામાં એક કલાકનો પ્રશ્નકાળ રાખવામાં આવે છે તેને બદલે બે કલાકનો કરીને જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે તેમાંથી મહત્તમની ચર્ચા કરવાનો ઈરાદો રાખ્યો છે. અત્યાર સુધીમાં માત્ર એક જ પ્રશ્નમાં બોર્ડ પૂરું કરી દેવાતું હતું તેથી તે વ્યાખ્યા બદલીને ‘આપ’ પોતાની છાપ બનાવવા મથી રહી છે.
કોંગ્રેસના હોબાળાથી ભાજપને ફાયદો: સાગઠિયા
આમ આદમી પાર્ટી બોર્ડમાં હોબાળો નહિ તે મુદ્દે વશરામ સાગઠિયાનો સંપર્ક કરાતા તેઓએ કહ્યું હતું કે, ‘કોંગ્રેસે અત્યાર સુધી હોબાળો જ કર્યો પણ તેનાથી હંમેશા ભાજપને ફાયદો થયો છે. કોઇપણ મુદ્દો આવે તેમાં દેકારો અને હોબાળો કરાતો અને પ્રજાના પ્રશ્નોને બદલે એ હોબાળામાં જ સમય પસાર કરીને બોર્ડ પૂરું કરી દેવાતું હતું. હવે એવા કોઇ હોબાળા કરવાના નથી માત્ર જે નિયમ મુજબ છે તે રીતે પ્રશ્નો અને ચર્ચા જ કરવી છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.