ગરબા પર GSTનો વિરોધ:રાજકોટમાં AAP બેનર અને સુત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી, પોલીસે 40 કાર્યકરની ટીંગાટોળી સાથે અટકાયત કરી

રાજકોટ7 દિવસ પહેલા
પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી.

સરકાર દ્વારા ગુજરાતની પરંપરા ગણાતા ગરબાનાં પાસમાંથી પણ GST વસૂલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે લોકોના આ રોષને વાચા આપવા માટે આજે રાજકોટ આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મુદ્દે વિવિધ બેનરોની સાથે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીનાં 40 જેટલા નેતાઓ અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.

ભાજપ વિરૂદ્ધ પણ સુત્રોચ્ચાર કર્યા
આજે શહેરનાં કિસાનપરા ચોકમાં આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેમાં વિવિધ બેનરો સાથે ગરબાના પાસમાં GST લાગુ કરવા મામલે વિરોધ દર્શાવ્યો હતો. આ સમયે આપ આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને ગરબામાં લગાવેલો GST પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી.

મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી.
મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી.

અટકાયત સમયે પોલીસ સાથે બોલાચાલી થઈ
આપ આગેવાનોએ જણાવ્યું હતું કે, હિન્દુત્વનાં મોટા બણગા ફૂંકતી ભાજપ સરકારે હિન્દુઓનાં મહત્ત્વના તહેવાર એવા નવરાત્રિનાં ગરબામાં પણ GST લગાવી લોકોને લૂંટવાનો નવો કારસો ઘડ્યો છે. સામાન્ય રીતે ખેલૈયાઓ મોટી સંખ્યામાં આ તહેવારોમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે તેના ઉપર લગાવેલો GST સત્વરે પરત નહીં ખેંચાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના આ વિરોધ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. તેમજ સૂત્રોચ્ચાર સહિતના દેખાવો કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયતનો પ્રયાસ કરતા પોલીસની સાથે ઉગ્ર બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા. જોકે ત્યારબાદ પોલીસે ટીંગાટોળી કરી આપનાં 40 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.