તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રમુખ ‘આપ’ણો:રાજકોટ શહેર ‘આપ’ પ્રમુખની કમાન પાટીદારના હાથમાં, હુંસાતુંસીમાં અટવાતી કોંગ્રેસનું ગુજરાતમાં મુખ્ય વિરોધપક્ષનું પદ જોખમમાં

રાજકોટ3 મહિનો પહેલા
શિવલાલ બારસિયા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને પાટીદાર અગ્રણી છે.
  • 'આપ'નું રાજકોટમાં નવું સંગઠન માળખું જાહેર કરાયું, 32 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

રાજકોટ શહેર 'આપ' પ્રમુખ તરીકેની જવાબદારી પાટીદારને સોંપવામાં આવી છે. લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાને પ્રમુખ તરીકે કમાન સોંપવામાં આવી છે. રાજકોટમાં 'આપ' કોંગ્રેસનો વિકલ્પ બને એ રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે પણ હુંસાતુંસીમાં અટવાતી કોંગ્રેસનું ગુજરાતમાં મુખ્ય વિરોધપક્ષનું પદ તે જોખમમાં મૂકી શકે એમ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને 'આપ' નડી

ખેડૂતોથી માંડીને વેપારીઓની સમસ્યાઓ, મોંઘવારી, મંદી જેવા અનેક પ્રશ્નો છતાં કોંગ્રેસના નબળા દેખાવને કારણે વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજ્ય અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં મતો અને બેઠકો વધી છતાં ચૂંટણીઓમાં બહુમતી મેળવી શક્યા નહીં. 2020ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો ધબડકો થયો છે. એમાં ભાજપનું ચૂંટણી નેટવર્ક કારણભૂત હતું એમ સમજી આમઆદમી પાર્ટીએ પેજ પ્રમુખ, મતદાન કેન્દ્રદીઠ હોદ્દેદારો સાથે સંગઠનની તૈયારી શરૂ કરી દીધી છે, સાથે જ નવા પ્રમુખ તરીકે જાણીતો પાટીદાર ચહેરો અજમાવી લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાને જવાબદારી સોંપવામાં આવી છે અને આ સાથે રાજકોટનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટનું નવું સંગઠન માળખું.
રાજકોટનું નવું સંગઠન માળખું.

રાજકોટમાં પણ આમઆદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી
તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી તમામ 182 બેઠક પર 'આપ' ચૂંટણી લડશે એવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટમાં પણ આમઆદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. આગામી ત્રણ માસમાં મતદારયાદીના પેજદીઠ બે મજબૂત હોદ્દેદારો નીમી બૂથ લેવલે મહત્તમ મતદારો સુધી પહોંચવા તૈયારી કરવામાં આવી રહી છે.

'આપ'ના પૂર્વ પ્રમુખ રાજભા ઝાલાની પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિમણૂક
ઉલ્લેખનીય છે કે રાજકોટના શહેર પ્રમુખ, ઉપ-પ્રમુખ, મંત્રીઓ, વિવિધ મોરચા-સેલના પ્રમુખ સહિત 32 હોદ્દેદારોની નિયુક્તિ જાહેર કરવામાં આવી છે, જેમાં શહેર પ્રમુખ તરીકે પાટીદાર સમાજનો જાણીતો ચહેરો અપનાવી શિવલાલ બારસિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રાજકોટ 'આપ'ના પૂર્વ પ્રમુખ રાજભા ઝાલાની પ્રદેશ સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાજભા ઝાલાને રાજકોટ શહેર 'આપ' પ્રમુખમાંથી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી બનાવાયા.
રાજભા ઝાલાને રાજકોટ શહેર 'આપ' પ્રમુખમાંથી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી બનાવાયા.

આપ-કોંગ્રેસ વચ્ચે આવતી ચૂંટણીમાં વિભાજન થવાની શક્યતા
ચાર દિવસ પૂર્વે કાગવડસ્થિત ખોડલધામ મંદિર પરિસરથી આમઆદમી પાર્ટીની પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે પ્રશંસા કરી હતી. જે રીતે ગત ચૂંટણીમાં પરિણામોના ટ્રેન્ડ મુજબ ગુજરાતમાં બે દાયકાથી શાસન કરતા ભાજપવિરોધી મતોનું પ્રમાણ વધે એવાં અનુમાનોની સાથે જ આ મતોનું આપ-કોંગ્રેસ વચ્ચે આવતી ચૂંટણીમાં વિભાજન થવાની શક્યતા પૂરેપૂરી જોવામાં આવી રહી છે. ત્યારે હાલની પસ્થિતિમાં હવે ભાજપ, કોંગ્રેસ, આપ અને NCP સહિતના પક્ષોમાં પણ રાજકીય ચહલપહલ શરૂ થઇ જતી જોવા મળી રહી છે.

યુવા પ્રમુખ - રવિ માણેક.
યુવા પ્રમુખ - રવિ માણેક.

સૌરાષ્ટ્રમાં અત્યારસુધી મતદાનનો ટ્રેન્ડ ભાજપ અથવા કોંગ્રેસતરફી રહ્યો
સૌરાષ્ટ્રમાં આ પહેલાં ત્રીજા પક્ષ તરીકે શંકરસિંહ વાઘેલાના રાજપાએ અને કેશુભાઇ પટેલના જી.પી.પી.એ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું, પરંતુ સફળતા મળી ન હતી. માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રમાં અત્યારસુધી મતદાનનો ટ્રેન્ડ ભાજપ અથવા કોંગ્રેસતરફી રહ્યો છે અને ત્રીજા પક્ષને આવકાર નહીં મળવાનું મુખ્ય કારણ એ ચૂંટણી ટાણે પ્રગટ થઈ પ્રજાના પ્રશ્નો ઉઠાવીને કરાતાં વાયદા-વચનો પર લોકોના વિશ્વાસનો અભાવ હોય છે, પરંતુ આમઆદમી પાર્ટી ભાજપનો વિકલ્પ ન બને તોપણ ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો પરથી એ સ્પષ્ટ તારણ નીકળ્યું છે કે આજે પણ હુંસાતુંસીમાં અટવાતી કોંગ્રેસનું ગુજરાતમાં મુખ્ય વિરોધપક્ષનું પદ તે જોખમમાં મૂકી શકે તેમ છે.

વોર્ડ નં.1ના પ્રમુખે રાજીનામાની ચિમકી ઉચ્ચારી.
વોર્ડ નં.1ના પ્રમુખે રાજીનામાની ચિમકી ઉચ્ચારી.

આમ આદમી પાર્ટીનું શહેર સંગઠન જાહેર થતાં વોર્ડ નંબર 1ના પ્રમુખે કાર્યકર્તા સાથે રાજીનામું આપવા ચિમકી
ગુજરાતનાં રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે 182 બેઠક લડવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીમાં રાજકોટ શહેરમાં નવી સંગઠન સંરચના બાદ કાર્યકર્તામાં નારાજગી સામે આવી છે. રાજકોટ આમ આદમી પાર્ટી વોર્ડ નંબર એકના પ્રમુખ ઇતિરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પક્ષ માટે કોઈ સ્વાર્થ વગર નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર કાર્યકરોની નવી ટીમમાં અવગણના કરવામાં આવી છે અને જે વ્યક્તિઓ માંડ ચૂંટણી સમયે જોડાયેલ તેઓને અગત્યનાં પદ પર ગોઠવી દેવામાં આવ્યા છે. શહેર સંગઠનની નિમણૂંકમાં પક્ષ નિષ્ઠાને બદલે વાલાદવલા નીતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં તાત્કાલિક ડેમેજ કન્ટ્રોલ કરવામાં નહીં આવે તો મોટાપાયે કાર્યકરો રાજીનામા ફગાવશે તેવી તેમણે ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...