Corona Update LIVE Rajkot:ફ્રાન્સથી આવેલો મુંજકાનો યુવાન પોઝિટિવ, 100 ટેમ્પચર છતાં સિવિલના તબીબે નોર્મલ કહી પરત ધકેલ્યો હતો

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
  • સિવિલની ત્રીજી ગંભીર બેદરકારી
  • તાવ હોવાથી આરોગ્ય કર્મી સિવિલ લઈ ગયા પણ ત્યાંના નિદાન પર શંકા જતા યુવાન રૂમમાં પૂરાયા, સપ્તાહ પછી રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ: રાજકોટ શહેરની નજીક આવેલા મુંજકા ગામમાં રહેતા 36 વર્ષીય યુવાનનો રિપોર્ટ કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે આ સાથે રાજકોટમાં કુલ 9 કેસ નોંધાયા છે. યુવાનનો ક્વોરન્ટાઈન પિરિયડ 29મીએ જ પૂરો થતો હતો પણ તેના 4 દિવસ પહેલાં જ તેઓ બીમાર પડ્યા હતા. આ સિવાય રાજકોટમાં રવિવારે 13 સેમ્પલ લેવાયા હતા તે  તમામ નેગેટિવ આવ્યા છે ત્યારબાદ અન્ય કોઇ સેમ્પલ લેવાયા નથી. હાલ 9 દર્દીઓ કે જે પોઝિટિવ છે તે આઈસોલેશન વોર્ડમાં દાખલ છે. કોરોના જેવી ગંભીર બીમારીના શંકાસ્પદ એવા આ ત્રીજા દર્દીને રાજકોટ સિવિલમાંથી પરત ધકેલી દેવાયા હતા અને સપ્તાહ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

100 હોવા છતાં તાપમાન નોર્મલ છે તેમ કહ્યું
રાજકોટની કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા અને દર વર્ષે વિદેશ જતા યુવાન 15મીએ રાત્રે રાજકોટ પહોંચ્યા હતા તેમણે સામેથી જાણ કરી હતી. 16મીએ સ્ટાફે મુલાકાત લીધી હતી અને તમામ નીતિ નિયમો તેમને અનુસર્યા હતા. 17મીએ મુંજકા આરોગ્ય કેન્દ્રના કર્મચારી દયાબેન ડેર તેમજ હિરેનભાઈ ડાંગર તપાસ માટે ગયા હતા. હિરેનના જણાવ્યા અનુસાર તેમના શરીરનું તાપમાન 100 ડિગ્રી કરતા ઉપર આવ્યું હતું જેથી તેમને સિવિલે લઈ જવાયા હતા જ્યાં આરોગ્ય કર્મી આઈસોલેશનની બહાર રહ્યા જ્યારે યુવાનને અંદર લઈ ગયા હતા અને શરીરનું તાપમાન 100 હોવા છતાં નોર્મલ છે દાખલ થવાની જરૂર નથી તેમ કહી બહાર મોકલી દીધા હતા.

બીજી વાર સિવિલમાં ગયા અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ડિઝાઈનર યુવાનને સિવિલના નિદાન પર શંકા જતા પોતે ઘરના એક રૂમમાં પૂરાઈ ગયા અને પત્ની તેમજ બાળકને બહાર રહેવા કહ્યું. નજીક રહેતા ભાઈઓને પણ ઘરે ન આવવા કહી દીધું. તેમનું જમવાનું પણ રૂમની બહાર મૂકી દેવાતું હતું. દરરોજ તેમની આરોગ્ય તપાસ થતી અને 26મીએ ખાંસી શરૂ થઈ હતી. 27મીએ ફરી તાવ ચઢતા આરોગ્ય કર્મચારીએ હોસ્પિટલની સલાહ આપી આ વખતે સિવિલ જવાને બદલે ખાનગીમાં જ ગયા જ્યાં તેમને દાખલ કરાયા અને ત્યાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

  • અગાઉ બે કેસને સિવિલે પરત મોકલ્યા હતા, 9 દર્દીમાંથી વિદેશથી આવેલા 3ને પરત મોકલતું સિવિલ
  • રાજકોટમાં કુલ 9 કેસ નોંધાયા છે જેમાંથી 3 વિદેશથી આવેલા છે. ડિઝાઈનર યુવાન પહેલા બે કેસને પણ સિવિલે પરત મોકલ્યા હતા.
  • કેસ-1: જંગલેશ્વરનો યુવાન તાવ અને શરદીની સમસ્યા સાથે સિવિલ ગયો હતો તેને પરત મોકલી દીધો. બેદરકારી ધ્યાને આવતા ફોન કરી ઘરેથી બોલાવ્યો.
  • કેસ-2: ન્યૂ કોલેજવાડીના યુવાન તપાસ માટે ગયા શરદી, તાવ હોવા છતાં સેમ્પલ ન લીધા કંટાળીને યુવાન ખાનગી હોસ્પિટલમાં ગયો જ્યાં રિપોર્ટ પોઝિટિવ.

ફ્રાન્સથી કોઇ વસ્તુ ઘરે ન લાવ્યા, એરપોર્ટ પર જ રહ્યા 
ડિઝાઈનર યુવાન દર વર્ષે વિદેશ જાય છે અને પરત આવતી વખતે તેમના પુત્ર માટે રમકડાં તેમજ ચોકલેટ સહિત અનેક વસ્તુઓ લાવે છે. આ વખતે કોરોના હોવાથી તેઓ કોઇ વસ્તુ લાવ્યા ન હતા. એરપોર્ટ પર સ્ક્રીનિંગ માટે ઘણો સમય રહ્યા અને વિનંતી કરી કે જો શંકાસ્પદ હોય તો એરપોર્ટ પર જ રહેશે. ઘરે આવ્યા બાદ કોઈને મળવાનો ઈનકાર કર્યો તેમજ આરોગ્ય કર્મચારીઓને પૂરતો સહયોગ આપ્યો. આરોગ્ય અધિકારીએ પણ વખાણ કરતા કહ્યું કે, તેઓએ આદર્શ નાગરિક તરીકે વર્તન કર્યું છે. માત્ર તેમના પત્ની અને પુત્રને જ ક્વોરન્ટાઈન કરાયા છે બીજા કોઇ સંપર્ક નથી.

કોની ડ્યૂટી હતી તેની તપાસ કરાશે: કલેક્ટર
તાવ હોવા છતાં દર્દીને પરત મોકલી દેવાયા છે તે મામલે પરિવારજનો તરફથી પણ ફરિયાદ મળી છે. તેઓ તપાસ કરવા માટે ગયા ત્યારે ક્યા તબીબ કે રેસિડેન્ટ ડ્યૂટી પર હતા તે માટે નામ આપવા સૂચના આપી છે આ મામલાને ગંભીરતાથી લેવાઈ છે અને તપાસ કરવામાં આવશે. - રેમ્યા મોહન, જિલ્લા કલેકટર

અન્ય સમાચારો પણ છે...