પબજી રમવાની ટેવ ધરાવતા યુવકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, ગેમને કારણે જ યુવકે પગલું ભર્યાની શંકા તેના પરિવારજનોએ વ્યક્ત કરી હતી તેમજ લક્ષ્મીનગર નજીક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી જીવનનો અંત આણી લીધો હતો.
શહેરના રૈયારોડ પરની દ્વારકેશ સોસાયટીમાં રહેતા આનંદ પ્રતાપભાઇ અગ્રાવત નામના 18 વર્ષના યુવકે રવિવાર બપોરે નહાવા જતો હોવાનું કહી પોતાના ઘરે બાથરૂમમાં નવેરાની ખીલાસરી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં આનંદ બહાર નહીં આવતા શંકા જતાં બારણું તોડતાં જ આનંદ લટકતી હાલતમાં મળી આવ્યો હતો, તેને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. યુવકના આપઘાતની ઘટનાની જાણ થતાં યુનિ.પોલીસના એએસઆઇ ઇકબાલભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આનંદ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને કપડાંના શો-રૂમમાં નોકરી કરતો હતો, તેના પરિવારજનોએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, આનંદને આપઘાત કરવો પડે તેવું કોઇપણ કારણ નહોતું પરંતુ તે પબજી રમવાની ટેવ ધરાવતો હતો અને સતત પબજી રમતો હતો તે કારણે તેણે પગલું ભર્યાની શંકા વ્યક્ત કરી હતી.
અન્ય એક બનાવમાં લક્ષ્મીનગરમાં રહેતા જીજ્ઞેશ અમરશીભાઇ આંબલિયા (ઉ.વ.35)એ રવિવારે સવારે ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું, ગંભીર રીતે ઘવાયેલા જીજ્ઞેશને હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.