હત્યા:કુટુંબની જ યુવતી સાથે લગ્ન કરનાર યુવકનું ગળું કાપી હત્યા કરી નાખી; સંબંધીઓ શંકાના દાયરામાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજી ડેમ નજીકના યુવરાજનગરમાં રહેતા યુવકની ગઢકાની સીમમાંથી લાશ મળી
  • મંદિરે શ્રીફળ વધેરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ હત્યા થઈ ગઈ

શહેરના આજી ડેમ નજીકના યુવરાજનગરમાં રહેતો યુવક શુક્રવારે સાંજે વતન ગઢકા ગામમાં મંદિરે શ્રીફળ વધેરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ શનિવારે સવારે તેની ગઢકા ગામની સીમમાંથી ગળું કપાયેલી લાશ મળી આવી હતી. કુટુંબની જ યુવતી સાથે લગ્ન કરનાર યુવકની હત્યામાં કૌટુંબિક શખ્સની જ સંડોવણીની દૃઢ શંકાએ પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

યુવરાજનગરમાં રહેતો કરમશી રૂખડભાઇ રાઠોડ (ઉ.વ.40) શુક્રવારે સાંજે પોણાપાંચ વાગ્યે પોતાના ઘરેથી ગઢકા ગામમાં આવેલા માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા અને પૂજા કરવા ઘરેથી નીકળ્યો હતો, રાત્રીના 11.30 વાગ્યા સુધી કરમશી પરત નહીં આવતા તેમજ તેનો મોબાઇલ રિસીવ નહીં થતાં કરમશીની પત્ની હીના આજી ડેમ પોલીસ મથકે પહોંચી હતી અને પતિ ગુમ થયા અંગેની જાણ કરી હતી. પોલીસે લાપતા યુવકની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન શનિવારે સવારે ઠેબચડા-ગઢકા ગામની સીમમાં મંદિર નજીક એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ ચાવડા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મૃતક કરમશી હોવાનું ખુલ્યું હતું અને છરીથી તેનું ગળું કાપવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઢકા ગામનો વતની કરમશી બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને ફાઇનાન્સનું કામ કરતો હતો, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ મુદ્દે તપાસ શરૂ કરતાં કરમશીએ તેના જ કુટુંબની હીના સાથે લગ્ન કર્યા હતા, અને આ કુટુંબની યુવતી સાથે લગ્ન કરવાના મુદ્દે કરમશીને કુટુંબના કેટલાક શખ્સો સાથે માથાકૂટ ચાલતી હતી જે બાબતે તેનું કાસળ કાઢી નખાયાની શંકા ઉઠતા પોલીસે કેટલાક શખ્સોને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી હતી. હીનાએ 11 દિવસ પૂર્વે જ પુત્રીને જન્મ આપ્યો હતો, જન્મ સાથે જ માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા રાઠોડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...