અકસ્માત:બગસરા નજીક કારે બે બાઇકને ઠોકરે લેતા યુવક, બાળકનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જેતપુર બાયપાસ પાસે કારે એકસાથે બે બાઇકને ઠોકરે લીધા
  • દંપતી સુરતથી​​​​​​​ મુંજિયાસર મતદાન કરવા આવ્યું હતું, બીજા બાઇકમાં બાળક તેના પિતા સાથે ઇંટોના ભઠ્ઠે જઇ રહ્યો હતો

બગસરામાં જેતપુર બાયપાસ પાસે રવિવારે બેફામ બનેલી કારે બે બાઇકને ઠોકરે ચડાવ્યા હતા, એક બાઇકના ચાલક સુરત રહેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજા બાઇકમાં બેઠેલો છ વર્ષનો બાળક ફંગોળાયો હતો તેનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

બગસરાના મુંજિયાસરના વતની અને સુરત સ્થાયી થયેલા લખુભાઇ દેવશીભાઇ સતાસિયા (ઉ.વ.40) અને તેના પત્ની વર્ષાબેન સતાસિયા (ઉ.વ.40) ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા સુરતથી મુંજિયાસર આવ્યા હતા અને મતદાન કરી બપોરે સુરત પરત જવાના હતા, સતાસિયા દંપતી બાઇક પર નીકળ્યું હતું અને બગસરામાં જેતુપર બાયપાસ પાસે પહોંચ્યું હતું ત્યારે એક કાર પુરપાટ ઝડપે ધસી આવી હતી

કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કારે લખુભાઇના બાઇક તેમજ તેમની બાજુમાં બાઇક ચલાવી રહેલા બગસરાના મેઘાણીનગરમાં રહેતા મનસુખભાઇ ગોબરભાઇ માલવી (ઉ.વ.35)ના બાઇકને ઠોકરે લીધા હતા, કારે એક સાથે બે બાઇકને ઠોકર મારતા લખુભાઇ સતાસિયા અને તેના પત્ની વર્ષાબેન રસ્તા પર ફંગોળાયા હતા, બીજા બાઇકના સવાર મનસુખભાઇ માલવી (ઉ.વ.35), તેના પત્ની સંગીતાબેન (ઉ.વ.32) તથા તેનો પુત્ર દીપ રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લખુભાઇ સતાસિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

જ્યારે વર્ષાબેન સતાસિયા, મનસુખભાઇ માલવી, તેના પત્ની સંગીતાબેન અને પુત્ર દીપને ઇજા થતાં ચારેયને બાબરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, માસૂમ દીપની હાલત ગંભીર હોય તેને રાજકોટ ખસેડાયો પરંતુ બાળકનું મોત નીપજ્યું હતું, એકના એક પુત્રનાં મોતથી પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો. પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...