અકસ્માતમાં પરિવારે જુવાનજોધ દીકરો ખોયો:ઉપલેટાના કોલકીમાં ટ્રકમાં પંચર પડતા યુવાન ટાયર બદલતો હતો ને ટાયર બ્લાસ્ટ સાથે ફાટ્યું, યુવકનું કમકમાટીભર્યું મોત

રાજકોટએક મહિનો પહેલા
ટાયર ફાટતા યુવાનનું મોત નીપજ્યું હતું.

ઉપલેટાના કોલકી રોડ પર ખોડિયાર હોટલ નજીક બેલા ભરેલી ટ્રકની અંદર પંચર પડી જતા ડ્રાઇવર વિજય બાહુકિયા (ઉં.વ.25) પંચર પડેલા ટાયરને બદલવાની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ટાયરમાં બ્લાસ્ટ થતા વિજયને ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારે કલ્પાંત કર્યો હતો.

અચાનક જ ટાયર ફાટ્યું હતું
પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાના કોલકી રોડ પર વિજય બેલા ભરેલી ટ્રક લઈને જતો હતો ત્યારે એક વ્હિલમાં પંચર પડી જતા રોડની બાજુમાં ટ્રક ઉભી રાખી હતી. બાદમાં પંચર પડેલા ટાયરને બદલી રહ્યો હતો ત્યારે અચાનક ટાયર ફાટ્યું હતું. આથી વિજયને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા તુરંત 108ની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત વિજયને તાત્કાલિક સારવાર માટે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર કલ્પાંત કરવા લાગ્યો હતો.

પંચર પડતા વિજય ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો.
પંચર પડતા વિજય ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો.

વિજય મૂળ પ્રાસલાનો વતની હતો
બાદમાં ઉપલેટા પોલીસને જાણ થતા જ સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને પરિવારજનોનો નિવેદન નોંધી વિજયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ટાયર ક્યાં કારણોસર ફાટ્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિજય પ્રાસલા ગામનો વતની હતો.

પોલીસે વિજયના મૃતદેહને પીએમ માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસે વિજયના મૃતદેહને પીએમ માટે ઉપલેટાની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો.

બે દિવસ પહેલા બુલેટ સ્લીપ થતા યુવાનનું મોત થયું હતું
રાજકોટના હોડથલી ગામે રહેતાં કેતન પરસોત્તમભાઈ તોગડીયા (ઉં.વ.35) બે દિવસ પહેલા પોતાના કામ માટે બુલેટ લઈ આટકોટ ગયો હતો. જ્યાંથી ઘરે પરત ફરતો હતો ત્યારે સરધાર નજીક પહોંચતા બુલેટ સ્લીપ થઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. બનાવસ્થળે એકઠાં થયેલા લોકોએ ઇજાગ્રસ્ત કેતનને સારવારમાં આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વધુ સારવાર માટે કેતનને રાજકોટ ખસેડાયો હતો
બાદમાં કેતનની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક ખેતીકામ કરતો અને અપરિણીત હતો. તેમજ ત્રણ બહેનનો એકનો એક ભાઈ અને પરિવારનો આધારસ્તંભ હતો.

અન્ય સમાચારો પણ છે...