તસ્કરી:કેનેડા અભ્યાસ કરનાર યુવાને પ્રેમિકા સામે માભો જમાવવા મિત્રનું બુલેટ ચોર્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • CCTVના આધારે પોલીસે ભોમેશ્વરના યુવાનને ઝડપી લઇ ભેદ ઉકેલ્યો

મોજશોખ પૂરા કરવા યુવાનો ગુનાખોરીના માર્ગે ચડ્યા હોવાના અગાઉ અનેક બનાવ પ્રકાશમાં આવ્યા છે. આવા જ એક વધુ કિસ્સામાં કેનેડામાં અભ્યાસ કર્યા બાદ અમદાવાદ નોકરી કરતા યુવાને પ્રેમિકા સામે માભો જમાવવા માટે મિત્રનું જ વાહન ચોરી કરવાના ગુનામાં પકડાયો છે.

સરદારનગર મેઇન રોડ પરના અમૃત કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી કોઇ ગત તા.29ના બુલેટ ચોરી ગયાની જયમીન પાડલિયાએ એ ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરતા બુલેટ ચોરાયું તે કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં બુલેટ ચોરી જતો શખ્સ કેદ થતા પોલીસે જયમીનને ફૂટેજ બતાવતા બુલેટ ચોરી જતો શખ્સ અગાઉ તેની સાથે નોકરી કરતો ભોમેશ્વર-4માં રહેતો હાર્દિક અતુલભાઇ દવે હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તુરંત સરનામાના આધારે હાર્દિકને તેના ઘરેથી બુલેટ સાથે ઝડપી લીધો હતો.

હાર્દિકની પૂછપરછ કરતા તેને કેનેડામાં અભ્યાસ પૂરો કર્યા બાદ થોડો સમય રાજકોટમાં નોકરી કરી હતી. બાદમાં હાલ અમદાવાદ સ્થિત કોલ સેન્ટરમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. પૂછપરછમાં હાર્દિકે જણાવ્યું કે, તે કેનેડાથી પરત આવ્યો ત્યારે પિતાએ એક્ટિવા લઇ આપ્યું હતું. ત્યારે એક્ટિવા લઇ પ્રેમિકાને મળવા જતો તે તેને સારું લાગતું ન હતું. બુલેટ લઇ આપવા પિતાને વાત કરી હતી, પરંતુ પિતાએ ના પાડી હતી. દરમિયાન અગાઉ જયમીન સાથે નોકરી કરી હોય અને તેની પાસે બુલેટ હોવાની ખબર પડી હતી. જે બુલેટ અમૃત કોમ્પ્લેક્સના પાર્કિંગમાં જોવા મળતા તેની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી આઠ દિવસ પહેલા બુલેટ ચોરી કર્યું હતું. એ ડિવિઝન પોલીસે હાર્દિક દવેની ધરપકડ કરી ચોરાઉ બુલેટ કબજે કરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...