મેડિકલ વેસ્ટનો આવો નિકાલ!:રાજકોટમાં મોટી ટાંકી ચોક નજીક યુવકે એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો ઠાલવ્યો,CCTV વાઇરલ

રાજકોટએક મહિનો પહેલા
CCTV ફૂટેજ વાયરલ થયા

રાજકોટ શહેર આમ તો સ્માર્ટ સિટી ગણાય છે પરંતુ રાજકોટમાં જે ઘટના સામે આવી તે છેવાડાના નિરક્ષર વ્યક્તિને પણ શરમાવે એવી છે. સામાન્ય રીતે સ્માર્ટ સિટીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેના વિવિધ પ્લાનો બનાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત લોકોના આરોગ્યને નુકસાન પહોંચે નહિ અને શહેરીજનો તંદુરસ્ત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ વેસ્ટનાં નિકાલ માટેના પણ અલગ કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ રાજકોટમાં આવા કાયદાનું કોઈ મોલ નથી એ ફરી એક વખત સાબિત થયું છે. અને શહેરમાં જાહેરમાંથી એક્સપયારી ડેટ વાળી દવાનો મોટો જથ્થો મળી આવ્યો, CCTV ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

વેદાંત હોસ્પિટલ પાસે દવાઓ ફેંકવામાં આવી
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં જાહેરમાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ ફેંકવામાં આવી છે. તેમજ કાયદાનો છડેચોક ભંગ થતો હોય તેવા દ્રશ્યો રાજકોટમાં સામે આવ્યા છે. શહેરના મોટી ટાંકી ચોક નજીક આવેલી વેદાંત હોસ્પિટલ પાસે મોટા જથ્થામાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી આવી હતી. કોઈ અજાણી વ્યક્તિ મોટી માત્રામાં ત્યાં એક્સપાયરી ડેટ વાળી દવા ઠલવાતા હોય તેવા CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે.

મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી
મોટી માત્રામાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળી

તંત્ર તપાસ કરશે?
હાલ સોશિયલ મીડિયામાં ફરતા આ ફૂટેજમાં દવા જથ્થો જોતા એવું લાગે રહ્યું છે કે કોઈ હોસ્પિટલ દ્વારા આ દવા ફેંકવામાં આવી હોય અથવા તો કોઈક મોટા ડિસ્ટ્રીબ્યુટરે દવાનો નિકાલ કર્યો હોય. જો કે હવે એ જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ આ માટે કોઈ પગલા ભરે છે કે આંખ આડા કાન કરે છે. અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં કોઈ ચોક્કસ પગલાંઓ આજદિવસ સુધી લેવાયા નથી. ત્યારે આ મામલે ક્યારે અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. હાલ તો તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું રટણ કરાઈ રહ્યું છે.