જૂનાગઢના ઝાંઝરડા રોડ પરના વર્ધમાનનગરમાં રહેતા અને દોલતપરા GIDC-2માં ફેક્ટરી ધરાવતા યુવાને રાજકોટ પિયર આવેલી પત્ની અને મિત્ર 8.50 લાખની ચોરી ભાગી ગયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પત્ની આખો દિવસ મોબાઈલમાં રચીપચી રહેતી હતી.
આઠ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં
ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે મારાં લગ્ન આઠ વર્ષ પહેલાં રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતી સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન પુત્રીની પ્રાપ્તિ થઈ હતી, જે હાલ 5 વર્ષની છે. તેણે પત્ની અને પુત્રીને તમામ સુખસગવડ, સુવિધાઓ આપી પૂરતી કાળજી લીધી હતી, પરંતુ ઘરમાં અને ફરવા જતાં ત્યાં પત્નીનાં વાણી-વર્તન ન સમજી શકાય એવાં રહેતાં હતાં. લગ્નજીવન માટે પણ તે કોઈ ખાસ રસ દાખવતી નહોતી. એટલું જ નહીં, સતત મોબાઈલમાં વાતચીત અને વીડિયો કોલ કરતી હતી. તેના આ પ્રકારના વર્તનને કારણે અવારનવાર શંકા જતી હતી. પત્ની કોઈ યુવક સાથે સંપર્કમાં હોય તેમ તેને જણાયું હતું.
સતત પરિવાર સાથે ગેરવર્તન કરતી
પત્ની સતત મોબાઈલમાં વ્યસ્ત રહેવાની સાથે જીભ ચલાવી ગેરવર્તન પણ કરતી હતી. આ ઉપરાંત મહિનામાં ચાર-પાંચ દિવસ માટે રાજકોટ પિય૨ જવું, નાની-નાની બાબતમાં પરિવારના સભ્યો સાથે બોલાચાલી કરવી, સતત પૈસાની માગણી કરવી વગેરે બાબતો સામાન્ય બની ગઈ હતી. તેની પત્નીને તેના પરિવારમાં કોઈ રસ નહોતો. પુત્રીને આગળ ધરી તેને અને પરિવારના સભ્યોને બ્લેકમેઇલ કરતી હતી. આમ છતાં પુત્રીનું ભવિષ્ય ન બગડે એ માટે તે પત્નીના કહ્યા મુજબનું કરતો હતો.
જીદ કરતાં પિયર જવા દીધી
4 નવેમ્બરના રોજ તે ફેક્ટરીએ હતો ત્યારે પત્નીએ કોલ કરી રાજકોટ પિયર જવાની વાત કરી હતી. આથી તેણે પિતાને ઘરે સમજાવવા માટે મોકલ્યા હતા. પિતાએ તેની પત્નીને ઘણી સમજાવી, પરંતુ પત્નીએ જીદ કરતાં આખરે તેને રાજકોટ મોકલવા તૈયાર થયા હતા. એટલું જ નહીં, તે પત્ની અને પુત્રીને ખાનગી ટ્રાવેલ્સની બસમાં મૂકવા પણ ગયો હતો. આ વખતે તેની પત્ની પાસે ઘણી મોટી બેગ હતી. જેથી એનું કારણ પૂછતાં પોતાના અને પુત્રીનાં કપડાં ઉપરાંત રમકડાં હોવાનું બહાનું બતાવ્યું હતું.
પત્નીની સહેલીના પતિ સાથે સંબંધ
6 નવેમ્બરના રોજ તે માતાના 36 તોલા આસપાસના દાગીનાને રિપેરિંગ અને એમાં સુધારા કરાવવા માટે રાજકોટ આવ્યો હતો. સાંજે પત્ની સાથે ડો.યાજ્ઞિક રોડ પરના શોરૂમમાં જવા રવાના થયો ત્યારે સસરાના ઘર નીચે યુવક હાજર હતો.. જેની ઓળખાણ અગાઉ તેની પત્નીએ પોતાની બહેનપણીના પતિ તરીકે કરાવી હોવાથી તેને ઓળખતો હતો. યુવક પણ તેની સાથે શોરૂમ આવ્યો હતો.
સસરાએ મિત્ર સાથે પુત્રી જતી રહ્યાનું કહ્યું
જોકે શોરૂમ બંધ થઈ જતાં અને બીજા દિવસે રવિવાર હોવાથી તે સસરાના ઘરે રોકાઈ જૂનાગઢ જતો રહ્યો હતો. જૂનાગઢમાં કારમાં દાગીનાનું પાઉચ નહીં દેખાતાં પત્નીને કોલ કરતાં તેણે દાગીના પોતે લઈ લીધાનું અને જૂનાગઢ આવશે ત્યારે લઈ આવશે એમ કહ્યું હતું. બાદમાં 8 નવેમ્બરના રોજ સસરાએ તેને કોલ કરી કહ્યું કે ગઈકાલે સાંજે તેની પુત્રી પાંચ વર્ષની દોહિત્રીને લઈ યુવકની કારમાં જતી રહી છે. ગઈકાલ સુધી પુત્રીનો મોબાઈલ ફોન ચાલુ હતો અને તેની સાથે સંપર્કમાં હતા, પરંતુ ગઈકાલ રાતથી સંપર્ક થતો નથી. એ રીતે ભગાડનાર યુવકનો પણ સંપર્ક થતો નથી.
પત્ની અને તેના મિત્ર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી
આથી તેણે રાજકોટ આવી પત્ની અને પુત્રી ગુમ થયાની પોલીસમાં જાહેરાત કરી હતી. ભગાડનાર યુવકની પત્નીએ પણ તેને કોલ કરી તેનો પતિ તેની પત્ની સાથે ભાગી ગયાનું કહ્યું હતું. તપાસ કરતાં બંને તેના પરિવારના રૂ. 8.50 લાખની કિંમતના દાગીના, આઈપેડ અને બીજા કાગળો લઈ ગયા હતા, જેથી બંને વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.