દુર્ઘટના:પડધરી પાસે કાર અકસ્માતમાં રાજકોટના યુવાનનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એકને ગંભીર ઇજા થતા રાજકોટ ખસેડાયો

પડધરી પંથકમાં પાંચ દિવસ પહેલા બનેલા વાહન અકસ્માતના બનાવમાં રાજકોટના યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે. રાજકોટના ગાંધીગ્રામ આશાપુરા મેઇન રોડ, ન્યૂ મહાવીરનગર-3માં રહેતા અશોકભાઇ દયાળજીભાઇ દસાડિયા અને ગાંધીગ્રામમાં જ રહેતો તેનો મિત્ર કલ્પેશ મનસુખભાઇ જોગડિયા બંને ગત રવિવારે કામ સબબ બહારાગામ ગયા હતા. દરમિયાન કામ પતાવી બંને મિત્રો કારમાં પરત રાજકોટ આવી રહ્યા હતા. કાર કલ્પેશ જોગડિયા ચલાવતો હતો.

ત્યારે રાત્રીના સમયે પડધરી પાસેના સરપદડ ગામ પાસે પહોંચતા કાર ચલાવી રહેલા કલ્પેશે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે કાર પુલની રેલિંગ સાથે અથડાતા બંને યુવાન ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતના બનાવ બાદ રોડ પરથી પસાર થઇ રહેલા લોકોએ બંનેને તુરંત સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

જ્યાં અશોક દસાડિયાએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. જ્યારે કલ્પેશ જોગડિયાને ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવને પગલે પડધરી પોલીસ ઘટનાસ્થળે તેમજ રાજકોટ દોડી ગઇ હતી. મૃતક ગાંધીગ્રામમાં જ ક્ષૌરકર્મની દુકાન ધરાવતા હતા. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે મૃતકના ભાઇ મનોજભાઇની ફરિયાદ પરથી કારચાલક કલ્પેશ સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...