ચર્ચાનો વિષય:પોલીસ હત્યા થઇ તેવું માનતી હતી તે આસામનો યુવક જીવિત નીકળ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાપરમાંથી હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ પોલીસે તેના પરિજનોને બોલાવ્યા, લાશ જોઇને પરિવારે કહ્યું, આ તો કોઇ અન્ય યુવક છે

શાપર વેરાવળમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો, ગુરુવારે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, મૃતક આસામનો વતની હોવાનું પોલીસ માનતી હતી પરંતુ આસામથી આવેલા પરિવારજનોએ લાશ તેના પુત્રની નહીં હોવાનું કહ્યું હતું અને પોલીસ જેની હત્યા થયાનું માનતી હતી તે યુવક અરૂણાચલ પ્રદેશમાં હોવાનું પણ સ્પષ્ટ થયું હતું.

શાપરમાં એક યુવકની લાશ મળી હતી, મૃતકની ઓળખ મેળવવા પોલીસે શાપરમાં રહેતા પરપ્રાંતિયોને એકઠા કર્યા હતા અને લાશ બતાવી હતી, કેટલાક લોકોએ કહ્યું હતું કે, મૃતક આસામના બક્કસા જિલ્લાના બેટા ગામનો રૂપમ શૈલેન્દ્રદાસ છે તે અગાઉ શાપરમાં પીએસ પ્લાય નામના કારખાનામાં કામ કરતો હતો, પરંતુ કેટલાક દિવસોથી તે ક્યાં રહેતો હતો અને ક્યાં કામ કરતો હતો તેની જાણ નહોતી, મૃતક રૂપમ શૈલેન્દ્રદાસ હોવાનું માની પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી, યુવકને ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવાયાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું હતું.

બીજીબાજુ શાપર પોલીસે રૂપમ શૈલેન્દ્રદાસના પરિવારજનોને હત્યાની ઘટના અંગે જાણ કરતા રૂપમનો ભાઇ રાજકોટ દોડી આવ્યો હતો અને તેને લાશ દેખાડવામાં આવી હતી પરંતુ જે લાશ દેખાડાઇ તે યુવક તેનો ભાઇ નહીં હોવાનું કહેતા જ પોલીસ મુંઝવણમાં મુકાઇ હતી, આસામથી આવેલા યુવકે એવું પણ કહ્યું હતું કે, તેનો ભાઇ રૂપમ બે વર્ષથી તેના સંપર્કમાં નથી, દરમિયાન આજે શુક્રવારે રૂપમનો સંપર્ક થયો હતો, રૂપમે શાપર પોલીસ સાથે વીડિયોકોલિંગથી વાત કરી પોતે અરૂણાચલ પ્રદેશમાં હોવાનું સ્પષ્ટ કરાવ્યું હતું.

પોલીસે હાલ તુર્ત અજાણ્યા યુવકની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો, કની હત્યા કોણે અને શા માટે કરી તે શાપરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ મૃતકની ઓળખ મળ્યા બાદ હત્યારા સુધી પહોંચવાની કોઇ કડી મળશે તેવો તપાસનીશ અધિકારીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. જોકે, ઘટનાને બે દિવસ વિતવા છતા મૃતકની ઓળખ પણ પોલીસ કરી નહીં શકતા આ હત્યા કેસ પરથી પડદો ઉચકાશે કે કેમ તેવી પણ લોકોમાં શંકા ઉપજી છે.

અન્ય સમાચારો પણ છે...