ગોંડલથી રાજકોટ તરફ આવવાના રસ્તા પર આવેલી શિવ હોટેલ નજીક એક યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાની શનિવારે વહેલી સવારે પોલીસ કંટ્રોલરૂમને જાણ થઇ હતી. જેને પગલે પોલીસ કંટ્રોલરૂમે આજી ડેમ પોલીસમથકને જાણ કરતા પીઆઇ વી.જે.ચાવડા સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. તપાસમાં મૃતકની પીઠ, વાસા સહિતના ભાગોએ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી બનાવ હત્યાનો હોવાની શંકાએ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલ મોકલી અપાયો હતો.
બીજી તરફ આજી ડેમ પોલીસે મૃતકની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. તપાસમાં મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો હોવાનું અને તેનું નામ વિરેન્દ્ર હોવાનું અને તે રવેચીનગરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે મૃતકના શરીર પર ઇજાના નિશાન લાકડાંના ધોકાના હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતુ. ગત રાતે મૃતક અને આ જ વિસ્તારનો કિશન નામનો શખ્સ ઝઘડો કરતા હતા.
બંને વચ્ચે પૈસાની લેતીદેતી મુદ્દે ડખો થયો હોવાની વિગતો રવેચીનગરમાં રહેતા દેવાભાઇ ઝાપડાએ જણાવતા પોલીસે દેવાભાઇની ફરિયાદ પરથી કિશન નામના શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.