ટંકારાના હરબટયાણી ગામે રહેતો રાજકોટમાં ટાટા મોટર્સમાં ટેકનીશીનની નોકરી કરતો વિવેક ભૂપેન્દ્રભાઈ પીલોતરા (ઉ.વ.22) આજે સવારે પોતાનું ડિસ્કવર બાઇક લઈ રાજકોટ જવા માટે નીકળ્યો હતો. ત્યારે મોરબી રોડ પર બેડી ગામ પાસે પેટ્રોલ પંપ નજીક પકચર પડેલા ટ્રકની પાછળ બાઇક ઘૂસી જતાં ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરતું હેમરેજ જેવી ગંભીર ઇજાના કારણે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબ. જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. અકસ્માત બનાવ અંગેની જાણ થતાં કુવાડવા પોલીસે ઘડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો છે. યુવક અપરણિત હતો અને બે ભાઈમાં નાનો હતો. જુવાન દીકરાના મોતથી પરિવાર પર વ્રજઘાત પડ્યો છે.
સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
રાજકોટના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા ગત તા. 3 ઓગસ્ટના રોજ પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા લોહાનગરમાં રહેતો દિપક ચારોલીયા નામનો શખ્સ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરાના પરિવારજનોએ એ ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પીઆઇ સી.જી.જોષી તથા રાઇટર વીરભદ્રસિંહ જાડેજા સહિતે દિપક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ગોંડલ રોડ લોહાનગર મફતીયાપરામાં રહેતો દિપક દિનેશભાઇ ચારોલીયા (ઉ.વ.19)ને પકડી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
લુખ્ખા તત્વો બેફામ, 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી
રાજકોટ શહેરમાં જામનગર રોડ પર આવેલા સ્લમ ક્વાટર, ભીસ્તીવાડ, હુડકો હુશેની ચોકમાં મોડી રાતે બાઇકમાં નીકળેલા બે શખ્સોએ કાર-રિક્ષાઓ મળી 10 વાહનોના કાચમાં કોઈ હથિયાર મારી કાચનો કચ્ચરઘાણ બોલાવી દીધો હતો. હુડકો ક્વાર્ટરમાં રહેતા કાર ડ્રાઇવિંગનું કરતાં કામ રફીક ઓસમાંણભઇ દલની ફરિયાદ પરથી પ્રનગર પોલીસે અજાણ્યા બે શખ્સો સામે તોડફોડ,જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. મુસ્લિમ યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રિના બે વાગ્યાના અરસામાં બાઇકમાં નીકળેલા બે શખ્સોએ કોઈ હથિયાર વડે રિક્ષા-કાર સહિતના 10 જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્લ્મ ક્વાટર, ભીસ્તીવાડ, હુડકો હુશેની ચોકમાં પાર્ક કરેલા વાહનોમાં આગળ પાછળના કાચો તોડી નાખ્યા હતા. બનાવના પગલે સોસાયટીના રહીશોએ જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. સોસાયટીના CCTV ફૂટેજોમાં બાઇકમાં બે નીકળેલા શખ્સો જોવા મળ્યા હતા. જેથી CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મૈત્રી કરારમાં માથાકૂટ થતા યુવતીએ ફિનાઇલ પીધુ
રાજકોટના વાવડી નજીક વિશ્વકર્મા સોસાયટી-1 માં રહેતાં ગોપાલભાઇ નરસીભાઇ રાઠોડના ઘરે ગઇકાલે જ આવેલી દિકરીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીને સારવાર બાદ સવારે રજા અપાઇ હતી. તેણીના પરિવારજનોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અગાઉ અમારા પડોશમાં ભગીરથસિંહ તેના બહેનના ઘરે આવતો હોઇ જેથી મારી દિકરી સાથે તેનો પરિચય થયો હતો. એ પછી એટલે કે આજથી પાંચેક વર્ષ પહેલા તે મારી દિકરી સાથે લગ્ન કરવાનું કહીને તેણીને લઇ ગયો હતો અને લગ્ન કે મૈત્રી કરાર વગર જ સાથે રાખી છે. તે અવાર-નવાર મારી દિકરીને હેરાન કરતો હોઇ અને દિકરી અમારી ઘરે આવવાનું કહે તો મારકુટ કરતો હોઇ ગઇકાલે પણ હેરાન કરતાં દિકરી અમારી ઘરે આવી ગઇ હતી અને ફિનાઇલ પી લીધું હતું. હાલ તાલુકા પોલીસે પરિવારના આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે જાતે ગળામાં બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર જયરામ પાર્ક-4 માં બનેવી સાથે ત્રણ દિવસ પહેલા જ નેપાળથી રહેવા આવેલા લાલબહાદુર મંગલ વિશ્વકર્મા (ઉ.વ.35) નામના નેપાળી યુવાને સાંજે પોતાની જાતે ગળા પર બ્લેડથી કાપા મારી લેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. લાલબહાદુરના બનેવી કમલભાઇએ પોલીસને જણાવ્યું હતું કે તે નેપાળથી ત્રણ દિવસ પહેલા જ આવ્યો છે અને અહિ મારી સાથે રહે છે. તેમજ હોટેલમાં કામ કરવા જાય છે. સાંજે રૂમમાં હતો ત્યારે અચાનક તેને ધ્રુજારી ઉપડી હતી અને તેણે બ્લેડથી પોતાના ગળા પર ઇજા પહોંચાડી લીધી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભાગ્યું રાખી ખેતી કામ કરતા યુવકે આપઘાત કર્યો
ચોટીલાના મોટી મોલડીમાં રહેતા કિશનભાઈ લાલજીભાઈ વાઢેર (ઉ.વ.23) રાજકોટ નજીક સોખડા ચોકડી પાસે આવેલ ઢોરા પાસે પડેલ હતાં જ્યાંથી પસાર થતાં રાહદારીની નજર પડતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ 108 ને જાણ કરી હતી. જેને તપાસી 108 ના ઇએમટીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડી તેના પરિવારને જાણ કરતાં પરિવાર સિવિલે દોડી આવ્યો હતો. મૃતક યુવક કુવાડવા નજીક આવેલ મઘરવાડમાં વાડી ભાગ્યું રાખી ખેતી કામ કરતો હતો. દરમિયાન ગત રોજ સાંજે પોતાનું બાઇક લઈ નીકળ્યા બાદ અંતિમ પગલું ભરી લીધું હતું. કિશનના આપઘાત અંગે પરિવાર પણ અજાણ હોવાનું રટણ કર્યું હતું. તેમજ તે અપરિણીત અને ત્રણ ભાઈમાં મોટો હતો જેમના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.